તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન શરુ, 2300 ઉમેદવારો મેદાનમાં, 3 કરોડ 26 લાખથી વધુ મતદારો

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન શરુ, 2300 ઉમેદવારો મેદાનમાં, 3 કરોડ 26 લાખથી વધુ મતદારો 1 - image


telangana assembly election voting : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ 2300 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી આજે તમામ બેઠકો પર મતદાન ચાલુ રહેશે. તેલંગાણામાં આજે 35 હજારથી વધુ મતદાન કેન્દ્રો પર 3 કરોડ 26 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 

તેલંગાણા પહેલા આ રાજ્યોમાં મતદાન થયું

છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે પાંચમાં અને છેલ્લા રાજ્ય તેલંગાણાની વિધાનસભાની 119 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની ચૂંટણી સાથે જ આ વર્ષની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે. આ પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પંડિતો આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની સેમિફાઈનલ પણ ગણાવી રહ્યા છે. 

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની 375 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેલંગાણા સ્પેશિયલ પોલીસની 50 કંપનીઓ, 45 હજાર રાજ્ય પોલીસ કર્મચારીઓ અને રાજ્યોમાંથી 23 હજાર 500 હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

તેલંગાણાની 2018ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 

તેલંગાણામાં વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ 88 બેઠકો જીતી હતી. જોકે હવે TRSનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) થઈ ગયું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને 19, TDPને 2, ભાજપને 1, AIMIMને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી.

તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન શરુ, 2300 ઉમેદવારો મેદાનમાં, 3 કરોડ 26 લાખથી વધુ મતદારો 2 - image


Google NewsGoogle News