'પૈસા લઇને મત વેચનારા આગલા જન્મે કૂતરાં...', મધ્યપ્રદેશમાં ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન
MP BJP MLA Usha Takhur statement: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભાજપ ધારાસભ્ય ઉષા ઠાકુરે અજીબો-ગરીબ નિવેદન આપતાં ચર્ચામાં આવ્યા છે. તેમણે રૂપિયા, દારૂ-ગિફ્ટની લાલચમાં મત આપનારા લોકોની ટીકા કરતાં કહ્યું છે કે, લોકતંત્રને વેચનારા લોકો ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના સ્વરૂપે પુનર્જન્મ લેશે.
મહૂ વિધાનસભા ક્ષેત્રના હસલપુર ગામમાં બુધવારે એક બેઠકમાં કથિત ટીપ્પણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે તેમની રૂઢિવાદી વિચારધારાની ટીકા કરી હતી.
મત માટે 500-1000 માટે વેચાઈ રહ્યા છે
ઉષા ઠાકુરે લોકો પાસે લોકતંત્રની રક્ષા કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ભાજપ સરકારની લાડલી બહેના યોજના અને કિસાન સન્માન નિધિ જેવી અનેક યોજનાઓ મારફત પ્રત્યેક લાભાર્થીઓના ખાતામાં હજારો રૂપિયા આવે છે, તેમ છતાં મત માટે 500-1000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. તે અત્યંત શરમજનક બાબત છે.
પોતાની ડાયરીમાં લખી લો કે, આગલા જન્મમાં...
મતદાનની ગોપનીયતાનો ઉલ્લેખ કરતાં ઉષા ઠાકુરે કહ્યું કે, ભગવાન બધુ જોઈ રહ્યો છે. મતદાન કરતી વખતે તમે પ્રમાણિકતા ગુમાવશો નહીં. જે લોકો રૂપિયા, સાડી, ગ્લાસ, દારૂ માટે પોતાનો મત વેચે છે. તે પોતાની ડાયરીમાં લખી લે કે, તેઓ આગલા જન્મમાં ઊંટ, ઘેટા-બકરાં, કુતરા, અને બિલાડા બનશે. આ લોકો લોકતંત્રને વેચશે, તો આ જ રૂપે જન્મ લેશે.
મારી ભગવાન સાથે સીધી વાત થઈ છે
ઉષા ઠાકુરે આગળ કહ્યું કે, મારી ભગવાન સાથે સીધી વાત થઈ છે. વિશ્વાસ કરો. ઉષા ઠાકુર અગાઉ પણ આ પ્રકારના નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે. તમામે ભાજપને જ મત આપવો જોઈએ. તે રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની સેવા કરે છે. આ નિવેદનો અંગે સ્પષ્ટતા કરતાં ઠાકુરે કહ્યું કે, તે ગ્રામીણ મતદારોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી. લોકશાહી આપણું જીવન છે. સરકાર બંધારણની જોગવાઈઓને અનુસાર, લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા અનેક યોજનાઓ ચલાવે છે. તે વર્ષના બાર મહિના સેવા આપે છે. આ પરિસ્થિતિમાં પણ જો કોઈ પૈસા, દારૂ, અને ગિફ્ટ માટે પોતાનો મત વેચે છે, તો તે અત્યંત ગંભીર ગુનો છે. આપણે જેવું વાવશો તેવું લણીશું. જો આપણે ખરાબ કર્મો કર્યા હશે, તો આવતા જન્મે મનુષ્યનો રૂપે જન્મીશું નહીં.