દેશના આ 14 ગામના લોકો બે વખત મતદાન કરે છે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Lok Sabha Elections 2024: ચૂંટણી પંચ દ્વારા દેશમાં યોજાતી તમામ ચૂંટણીમાં નિષ્પક્ષ અને પારદર્શક મતદાન થાય તે માટે કામ કરતું હોય છે. દર ચૂંટણીમાં લોકજાગૃતિ માંડીને સરળ અને પારદર્શક મતદાન થાય ત્યાં સુધી ચૂંટણી પંચ કામ કરે છે પણ કેટલાક એવા મુદ્દા છે જેનો હજી નિકાલ આવ્યો નથી. દેશનો અભિન્ન ભાગ રહેલા કાશ્મીરમાં જ વસતા અને ત્યાંથી પલાયન કરી ગયેલા કાશ્મીરી પંડિતો લોકસભાની ચૂંટણીમાં પોતાના વતનમાં જઈને મતદાન કરી શકતા નથી. તેના કારણે મતદાનમાં હજારો મત આવતા જ નથી.
એવી જ રીતે દેશમાં મહારાષ્ટ્ર અને તેલંગણાની સરહદે આવેલા એવા પણ પ્રદેશો છે જ્યાં લોકો બે-બે વખત મતદાન કરે છે જેના કારણે તેની પારદર્શકતા રહેતી નથી. આવા મુદ્દાનો ઉકેલ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે.
4000 લોકોને બે વખત મતદાન કરવાનો અવસર
મહારાષ્ટ્ર અને તેલંગણાની સરહદે 14 ગામ એવા છે જેના વિસ્તારો અને મતક્ષેત્રો બે રાજ્યોમાં છે. અહીંયા વસતા 4000 લોકોને બંને રાજ્યોમાં આવતા મતદાન ક્ષેત્રોમાં મતદાન કરવાનો અધિકાર છે. તેઓ પાસે બે આધારકાર્ડ, બે ચૂંટણી કાર્ડ, બે રેશનિંગ કાર્ડ છે, જેના દ્વારા તેઓ બંને રાજ્યોનું બેવડું નાગરિકત્વ ભોગવે છે. આ લોકો પહેલાં અને ચોથા તબક્કામાં મતદાન કરતા જોવા મળશે.
મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં ચંદ્રપુર ક્ષેત્રમાં મતદાન થયું હતું જેમાં લોકોએ મતદાન કર્યું હતું. હવે ચોથા તબક્કામાં 13મી મેના રોજ તેલંગણાના આદિલાબાદ ખાતે મતદાન થવાનું છે જેમાં તેઓ મતદાન કરશે. આ એવા 14 ગામ છે જેમાં મરાઠી સ્કૂલ છે, મરાઠી હોસ્પિટલો છે, તેલુગુ સ્કૂલ અને હોસ્પિટલ છે.
અહીં બંને ક્ષેત્રની સાથે સંકળાયેલી બે ગ્રામ પંચાયતો પણ છે. અહીંયા બે-બે સરપંચ પણ છે. તેલંગણાના આદિલાબાદમાં કેરામેરી ક્ષેત્રમાં આ 14 ગામ આવેલા છે. તેનો સમાવેશ મહારાષ્ટ્રના ચંદ્રપૂર ક્ષેત્રમાં પણ થાય છે. જ્યારે આંધ્રપ્રદેશની રચના થઈ ત્યારથી અંદાજે 1956થી આ વિવાદ ચાલતો આવ્યો છે.
બંને રાજ્યોમાં મતદાન ન થાય તે માટે પ્રયાસ
પારંડોલી પંચાયત હેઠળ આવતા ગામના લોકો જણાવે છે કે તેઓ દરેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બે વખત મતદાન કરે છે. તેમની પાસે બંને રાજ્યોના મતદાર ઓળખપત્ર છે. તેઓ બંને રાજ્યોમાં શક્ય હોય ત્યાં મત આપવા જાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બંને રાજ્યોમાં એકસાથે મતદાન હોય ત્યારે તેઓ શક્ય હોય ત્યાં એક જ મતદાન કરે છે પણ જો તારીખમાં ફેરફાર હોય તો બંને રાજ્યોમાં મત આપવા જતા હોય છે.
આ લોકો એમ પણ જણાવે છે કે, ‘અમને બંને રાજ્યોમાંથી સુવિધાઓ મળે છે તેથી અમે બંને રાજ્યોમાં મત આપીએ છીએ.’ તાજેતરમાં ચંદ્રપુર જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ‘આ 14 ગામના લોકોને બે વખત મતદાન કરતા રોકવા જોઈએ. તેઓને સમજાવવા જોઈએ કે આ ગેરકાયદે છે.’
બે વખત મતદાન બાબતે લોકોને જાગૃત કરાશે
લોકોને આ મુદ્દે સમજાવવામાં આવશે કે કાયદાકીય રીતે તેઓ બે વખત મતદાન કરે તે ખોટું છે. તેમની તર્જની ઉપર માત્ર નિશાની કરવાના સ્થાને હવે તેમની આંગળી જ સ્યાહીથી રંગી નાખવાની યોજના કરી રહ્યા છે. તેના દ્વારા ખ્યાલ આવશે કે તેઓ બીજી વખત મત આપવા આવ્યા છે. તે સમયે તેમને ફરી મતદાન ન કરવા સમજાવવામાં આવશે. તેમની પાસે બે મતદાર ઓળખપત્ર છે તે પણ ગેરકાયદેસર છે તેવું સમજાવવામાં આવશે.
પહેલાં સરકાર પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવે
ગ્રામજનોનું કહેવું છે કે, સરકારી અધિકારીઓ અમને જે સમજાવવા માગે છે તે અમે જાણીએ જ છીએ. અમને ખબર જ છે કે, અમે બે વખત મતદાન કરીએ છીએ તે ખોટું છે. આ કાયદાની વિરુદ્ધ છે. સરકાર અમારા માટે જે નિર્ણય લેશે તે અમને માન્ય છે પણ પહેલાં સરકાર પોતાની સમસ્યાનો તો ઉકેલ લાવે.
સરકારે પહેલાં તો એ નક્કી કરવું પડશે કે અમારા ગામ અને તેની જમીનો કયા રાજ્યમાં આવશે. અમને તેલંગણા અથવા મહારાષ્ટ્ર હેઠળ લાવવા કે નહીં તે નક્કી કરવું પડશે. સરકાર ઈચ્છે તો કોઈ એક મતદાર યાદીમાંથી અમારા નામ કાઢી નાખે. અમે મત આપવા નહીં જઈએ. તેઓ અમારી સરકારી યોજનાઓની યાદીમાંથી નામ કેવી રીતે કાઢશે. અમને માત્ર એટલું જ જણાવે કે અમે કયા રાજ્યમાં આવીએ છીએ. અમારી જમીનો જ નથી. અમે ક્યાંય જમીન લઈ શકતા નથી કે રજિસ્ટર કરી શકતા નથી. તેની નોંધણી કેવી રીતે કરવી તેનો ઉકેલ લાવે.
સરકાર અમને જમીનનો પટ્ટો આપે. અત્યારે જમીન જંગલ તરીકે નોંધાયેલી છે તે અમારા નામ થવી જોઈએ. પહેલાં સરકારી સમસ્યાઓનો ઉકેલ આવશે ત્યારે જ અમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકશે. કેટલાક ગ્રામજનો માને છે કે અમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉપેક્ષિત કરવામાં આવી રહ્યા છે. તેલંગણા સરકાર દ્વારા અમને ઘણી મફત સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સંજોગોમાં કયા રાજ્યમાં અમારે જવું તેનો પણ ઉકેલ ઝડપી આવે તેમ લાગતું નથી.
નાગરિકો બંને રાજ્યોની સુવિધાનો લાભ લે છે
રાજ્યના આ 14 ગામ પારંડોલી અને અંતપુર નામની બે ગ્રામપંચાયતો હેઠળ આવે છે. તેમની વચ્ચે 30 કિમીથી વધુનું અંતર છે. તેમ છતાં આ ગામના લોકો પાસે બે આધારકાર્ડ, બે વોટર આઈડી કાર્ડ, બે રેશનિંગ કાર્ડ, બે મનરેગા કાર્ડ, બંને રાજ્યોના જાતી પ્રમાણપત્ર છે.
તે સિવાય બંને રાજ્યોના સરકારી દસ્તાવેજો પણ છે. બંને રાજ્યોની સમાજકલ્યાણ યોજનાઓમાં પણ તેમના નામ છે અને તેઓ બંને રાજ્યોની યોજનાઓના લાભ પણ લઈ રહ્યા છે. અહીંયા તફાવત એવો છે કે પારંડોલી ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામના લોકોને બંને રાજ્યો તરફથી વીજળી અને પાણીનો મફત પૂરવઠો મળી રહ્યો છે. બીજી તરફ અંતપુર હેઠળ આવતા પાંચ ગામના લોકોનો દાવો છે કે તેમને તેલંગણા તરફથી મફત વીજળી અને પાણી મળે છે પણ મહારાષ્ટ્ર તરફથી તેનો વેરો વસુલવામાં આવે છે.
અહીંયા બંને ગ્રામપંચાયતના સરપંચો અલગ અલગ પક્ષના છે તેથી તેમને વિકાસ માટેના ભંડોળ પણ અલગ અલગ મળી રહ્યા છે. અહીંયા મોટા ભાગે એસસી અને એસટી સમુદાયના લોકોની વસતી વધારે છે તેથી સામાજિક અને રાજકિય યોજનાઆનું પ્રમાણ પણ વધારે છે.
ગત લોકસભામાં 30 કરોડ લોકોએ મતદાન કર્યું નહોતું
જાણકારોના મતે એવી ઘણી સમસ્યાઓ છે જેના કારણે મતદાનને અસર થઈ રહી છે. પ્રવાસી કાશ્મીરી પંડિતોની જેમ અન્ય પ્રવાસી વસતીની પણ અલગ સમસ્યાઓ છે. તજજ્ઞો કહે છે કે, પ્રવાસી કારીગરો અને મજૂરો પણ મતદાન કરી શકતા નથી. તેઓ કામ માટે અને મજૂરી માટે વિવિધ રાજ્યોમાં જતા હોય છે.
ચૂંટણી સમયે તેમને કારખાના, ફેક્ટરીઓ અથવા તો સાઈટ ઉપરથી રજા મળતી નથી. તેમને રજા મળે તો પોતાના વતન જવા માટે વ્યવસ્થા અને પૈસાનો અભાવ હોય છે. તેના કારણે આ લોકો મત આપવા માટે જતા જ નથી. આવા બીજા ઘણાં પરિબળો છે જેના કારણે લોકો વોટ આપતા નથી.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ગત લોકસભા ચૂંટણીમાં 30 કરોડ લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું નહોતું. આ 30 કરોડ લોકોમાંથી બધાજ પ્રવાસી મજૂરો કે કારીગરો નહોતા છતાં તેમનો ચોક્કસ વર્ગ તો હતો. દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો મતદાન કરતા નથી અથવા તો કરી શકતા નથી તો તેના કારણો વિશે ગંભીરતાથી વિચાર થવો જોઈએ અને તેનું નિરાકરણ પણ આવવું જોઈએ.