આજે વોટ ઓન એકાઉન્ટ સીતારામનનું સળંગ છઠ્ઠું બજેટ
- પગારદાર વર્ગ માટે જાહેરાત થઈ શકે
- મહિલાઓ અને ખેડૂતો માટે પણ સરકાર કોઈ મોટી જાહેરાત કરે તેવી પૂરેપૂરી સંભાવના
નવી દિલ્હી : નાણાપ્રધાન નિર્મલા સીતારામન ગુરુવારે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ પણ વોટ ઓન એકાઉન્ટ એટલે કે લેખાનુદાન રજૂ કરશે. નિર્મલા સીતારામનનું આ છઠ્ઠુ બજેટ હશે. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ પણ કહેવાય છે.
ચૂંટણી પૂર્વેનું આ બજેટ ખેડૂતો અને મહિલાઓ માટે મહત્વનું નીવડે તેમ માનવામાં આવે છે. મોદી સરકારના આ અંતિમ બજેટમાં છેલ્લા દસ વર્ષની કામગીરીના ગુણગાન સાથે આગામી ચૂંટણી માટેના રાજકીય પગલાંનો પણ દિશાનિર્દેશ મળશે. તેની સાથે તેઓ બજેટ દ્વારા દેશને કઈ દિશામાં આગળ લઈ જવા માંગે છે તે સમજાવશે.
તાજેતરના ત્રણ રાજ્યોમાં જોરદાર વિજયના પગલે સત્તાધીશ સરકાર હવે કૃષિ અને ક્ષેત્ર પર રાહતોના હારમાળા ચલાવી શકે છે અને તેની સાથે અર્થંત્રમાં વપરાશને વેગ આપે તેવા પગલાની પણ જાહેરાત કરી શકે છે, જેથી નોકરીઓના સર્જનમાં વૃદ્ધિ થાય.
બજેટ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવવાની છે તેના ગણતરીના સપ્તાહો પહેલા જ આવી રહ્યુ છે. તેથી સરકારે ૨૦૧૯માં ખેડૂતો માટે રોકડ સહાયની જાહેરાત કરી હતી અને તેવી સહાયની જાહેરાત કરી શકે છે. આ સિવાય મહિલાઓ માટે પણ કોઈ મોટા પગલાની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત નોકરિયાતો માટે પણ કોઈ જાહેરાત કરે તો આશ્ચર્ય નહીં થાય.