Get The App

'રશિયાથી ઓઇલ ખરીદવાથી વૈશ્વિક કિંમતો સ્થિર રહી...:' ઝેલેન્સ્કીની અપીલ પર ભારતનો જવાબ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
S jaishankar



India Oil Import from Russia: વડાપ્રધાન મોદીની યુક્રેન મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ચાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ મુલાકાત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ભારતને રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા અપીલ કરી હતી. જે પછી ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પાછળનું કારણ જણાવી સ્પષ્ટતા કરી છે.

ઝેલેન્સ્કીની ભારતને અપીલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં રશિયાથી ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જો ભારત અને અન્ય દેશો રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે તો આનાથી રશિયા માટે મોટા પડકારો ઉભા થઇ શકે છે.' 

ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે, 'જો ભારત અને ભારતીયો ઇચ્છે તો તે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.'

આ પણ વાંચોઃ મહિલાઓ પર અત્યાચાર અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું - દોષિત ગમે તે હોય બચશે નહીં

વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ

વિદેશ મંત્રી એસ. જયશંકરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઝેલેન્સ્કીની અપીલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 'ભારતે રશિયા સાથેના તેના ઓઇલ વેપાર અંગે અગાઉથી જ જણાવેલું છે. અમે યુક્રેની પક્ષને આ વાત સમજાવવાનું પ્રયાસ કર્યો કે ઉર્જા બજારનું દ્રશ્ય શું છે, આ સત્ય છે કે આજે ઘણાં ઉર્જા ઉત્પાદકો પ્રતિબંધિત છે, જે કારણસર સંભવિત વિકલ્પો ખૂબ ઓછા થઇ ગયા છે. આ એક મજબૂરી છે, વાસ્તવમાં માત્ર એક મજબૂરી નથી. મારા કહેવાનું અર્થ છે કે આ સમગ્ર વિશ્વના અર્થવ્યવસ્થાના હિતમાં છે, જેથી ઓઇલની કિંમતો ઉચિત અને સ્થિર રહે.'

નોંધનીય છે કે, ભારતે યુક્રેન યુદ્ધ બાદ રશિયાથી ઓઇલ ખરીદીમાં વધારો કર્યો છે. યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતના 2 ટકાથી પણ ઓછું તેલ આયાત કરતો હતો. જે હાલ 40 ટકા સુધી વધી ગયું છે. આ વધારાનું કારણ એ છે કે ભારતને રશિયા તરફથી રાહત દરે ઓઇલ પ્રાપ્ત થાય છે, જે અન્ય દેશોની તુલનામાં ખૂબ જ વ્યાજબી છે.

આ પણ વાંચોઃ ‘UPSમાં U અર્થાત મોદી સરકારનો યુ-ટર્ન’, કોંગ્રેસે સરકારને નવી પેન્શન સ્કીમ મુદ્દે આડે હાથ લીધી

રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ : મોદી

વડાપ્રધાન મોદીએ તેમની યુક્રેન મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વાત કરતાં કહ્યું કે,  'ભારત બુદ્ધની ધરતી છે, અમે યુદ્ધની નહી શાંતિની વાતો કરીએ છીએ. યુદ્ધથી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. વાતચીત અને રણનીતિના આધારે સમસ્યા ઉકેલાય છે. બંને પક્ષે એકબીજા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. સમય વેડફ્યા વિના રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ. ' 


Google NewsGoogle News