નાસભાગ બાદ પણ ઢાંકપિછોડો કરતું રહ્યું રેલવે તંત્ર, LG સક્સેનાએ પોસ્ટ એડિટ કરી તો લોકોએ કર્યા ટ્રોલ
New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગની દુર્ઘટના પર ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાની એક એડિટેડ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમણે પોસ્ટમાં પહેલાં નાસભાગના કારણે જાનહાનિ થઈ હોવાની માહિતી આપી હતી, બાદમાં પોસ્ટ એડિટ કરી આ માહિતી હટાવી લીધી હતી. બીજી તરફ રેલવે તંત્ર પણ નાસભાગની દુર્ઘટનાને અફવા જ ગણાવતું રહ્યું હતું. જેના લીધે ઉપરાજ્યપાલ અને ઉત્તર રેલવે તંત્રની આકરી ટીકા થઈ રહી છે.
વીકે સક્સેનાની શું પોસ્ટ હતી...
વીકે સક્સેનાએ X પર પોસ્ટ કરી હતી કે, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અવ્યવસ્થા અને નાસભાગના કારણે જાન-માલને હાનિ થઈ છે તેમજ અનેક લોકો ઘાયલ થવાની દુખઃદ ઘટના બની છે. આ દુર્ઘટનામાં પીડિતોના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. મેં મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે આ મામલે વાત કરી છે. અને સ્થિતિને કાબૂમાં લઈ બચાવ કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. હું સતત બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું.'
એડીટેડ પોસ્ટ
બાદમાં પંદર મિનિટ બાદ ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ આ પોસ્ટ એડિટ કરી કે, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આક્સ્મિક દુર્ઘટના બની છે. મેં મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે આ મામલે વાત કરી છે અને સ્થિતિને કાબૂમાં લઈ બચાવ કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. હું સતત બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું.'
શિવસેનાના સાંસદે પણ કર્યા પ્રહાર
દિલ્હીના ઉપરાજ્યપાલની વાયરલ X પોસ્ટ પર શિવસેનાના સાંસદ પ્રિયંક ચતુર્વેદીએ પણ ટીકા કરતાં આકરા પ્રહારો કર્યા હતા કે, '(વીકે સક્સેના) તેમની આ પોસ્ટથી સાબિત થાય છે કે, રેલવે પ્રશાસન અને દિલ્હીના એલજી ઓફિસ વચ્ચે કો-ઓર્ડિનેશન નથી.' ઉલ્લેખનીય છે, શરૂઆતમાં રેલવેએ કહ્યું હતું કે, 'કોઈ નાસભાગ થઈ નથી. બીજી બાજુ વીકે સક્સેનાએ રેલવે પ્રશાસનની અવ્યવસ્થા દર્શાવતી નાસભાગની પોસ્ટ કરી હતી. બાદ તેમાં ફેરફારો કર્યાં. જેના લીધે વીકે સક્સેના ટ્રોલ થયાં હતાં. એક યુઝરે લખ્યું કે, 'પહેલાં દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ ટ્વિટ કર્યું અને જાનહાનિ તથા ઘાયલો વિશે માહિતી આપી, બાદમાં મોત અને ઘાયલોનો ઉલ્લેખ કાઢી પોસ્ટ એડિટ કરીને મૂકી. જે અત્યંત શરમજનક છે.' ઘણા યુઝરે વીકે સક્સેનાની ટીકા કરતાં તેને ખૂબ જ શરમજનક ઘટના ગણાવી હતી.
ઉત્તર રેલવે પણ નાસભાગના અહેવાલો નકાર્યા
ઉત્તર રેલવેના જનસંપર્ક ઓફિસના પ્રમુખે ઘટનાના થોડા સમયમાં એક નિવેદન આપ્યું હતું કે, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કોઈ નાસભાગ થઈ નથી. આ માત્ર અફવા છે. સ્થિતિ કંટ્રોલમાં છે. લોકો કહી રહ્યા છે કે, રેલવેએ જો તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હોત તો ઘણા લોકોના જીવ બચી શક્યા હોત.'