માલદીવના પ્રમુખ મુઈજ્જુ તાજમહલની મુલાકાતે કહ્યું : 'તેનાં સૌંદર્યને વર્ણવા મારી પાસે શબ્દો નથી'
- આ ભવ્ય સ્મારકની રચના, તેની કોતરણી મંત્રમુગ્ધ કરે છે : પ્રમુખ અને ફર્સ્ટ લેડીને, ઉ. પ્ર.ના મંત્રીએ તાજની પ્રતિકૃતિ ભેટ આપી
આગ્રા : માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ અને ફર્સ્ટ લેડી સાજીધા મોહમ્મદ આજે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાતે ગયા હતા. આ મહાન સ્થાપત્ય જોઈ મુઈજ્જુએ કહ્યું તેના ભવ્ય સૌંદર્યને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી, શબ્દો તે સૌંદર્યને ન્યાય આપી શકે તેમ નથી. તેઓએ વિઝિટર્સ બુકમાં પણ આ પ્રમાણે લખ્યું હતું. સાથે લખ્યું કે આ સ્થાપત્યની અદ્ભૂત કોતરણી, મંત્રમુગ્ધ કરે છે. સ્થાપત્ય કલાની અહીં ચરમસીમા આવી ગઈ છે. પ્રણય અને સ્થાપત્યનું અહીં અદ્ભૂત સંમિલન જોવા મળે છે.
મુઈજ્જુ અને ફર્સ્ટ લેડી આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય જોવા દિલ્હીથી આવી પહોંચ્યા ત્યારે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વતી વિમાન ગૃહે સ્વાગત કર્યું હતું અને તેઓની સાથે તાજમહેલ જોવામાં જોડાયા હતા. તાજમહેલની રચના અંગેનો ઇતિહાસ પણ કહ્યો, સાથે તે ઈતિહાસની એક બુકલેટ પણ આપી જેમાં તાજ વિષે સંપૂર્ણ વિગતો પણ હતી. પ્રમુખ અને ફર્સ્ટ લેડીએ તાજ જોઈ ત્યાં પોતાનો ફોટો પણ પડાવ્યો હતો. પ્રમુખ અને ફર્સ્ટ લેડી તાજ જોવા ગયા તે સમયે જનસામાન્ય માટે તાજની મુલાકાત બંધ રખાઈ હતી.
તાજમહેલની મુલાકાત પછી તેઓ પાછા ફરતા હતાં ત્યારે યોગેન્દ્ર ઉપાધ્યાયે તેઓને તાજની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પછી તે બંને ઓપન એર ક્રાફટ વિલેજ વ્રજ પ્રદેશમાં ગયા જયાં કલાકારોએ નૃત્ય દ્વારા તેઓનું સ્વાગત કર્યું હતું.
સામાન્યત: કોઈ પણ વિદેશી મહાનુભાવ અન્ય દેશની મુલાકાતે જાય છે ત્યારે બે કે વધુમાં વધુ તે મુલાકાત ત્રણ દિવસની હોય છે. મુઈજ્જુની આ મુલાકાત ચાર દિવસની રહી. જેમાં તેઓને રેડ કાર્પેટ વેલકમ સાથે ભવ્ય ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેઓ મુંબઇ સ્થિત મોટા ઉદ્યોગપતિઓને પણ વચમાંથી સમય લઈ મળ્યા હતા. આ પછી સોમવારે તેઓની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા જેમાં ચલણી નાણાંની પારસ્પરિક આપ-લે તથા માલદીવમાં રૂપે કાર્ડ વહેતું મુકવા વિષે તેમજ માલે સ્થિત હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નવો રન વે બાંધવા સહિતના વિવિધ કરારો થયા હતા. ટૂંકમાં પોતાના ભવ્ય સ્વાગત અને ભારતની ભવ્યતા તેના ભવ્ય સ્મારક (તાજ)નું અદ્ભૂત સૌંદર્ય તેઓને આકર્ષી ગયા.
આ ઉપરથી તેમ કહી શકાય કે ચીન માલદીવમાં પગ પેસારો કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તે ફાવી નહીં શકે. સંભવ તે પણ છે કે ભવિષ્યમાં ભારત-માલદીવ વચ્ચે સંરક્ષણ કરારો પણ થાય. જો કે અત્યારે જ હિન્દ મહાસાગરમાં ચોકી ભરતાં ભારતના યુદ્ધ જહાજો થોડા સમય પૂરતો વિસામો લેવા માલદીવનાં બંદરોએ લાંગરે છે.
હિન્દુ મહાસાગરના હાર્દ સમાન વિસ્તારમાં રહેવા આ ટાપુ રાષ્ટ્ર ઉપર ભારતના વધતા પ્રભાવની અસર શ્રીલંકા ઉપર પણ થવા સંભવ છે અને તેથી તો મુઈજ્જુ દંપતિને આટલું માન સન્માન અપાયું છે. એક સમયે ઇંડિયા-આઉટ કહેનારા આ ટાપુરાષ્ટ્ર હવે વેલકમ ઇંડિયા કહે છે. તેમાં ભારતના સહેલાણીઓને આકર્ષવાની પણ તેની નેમ છે.