કોરોના ફરી કહેર વર્તાવશે ? જંગલી પ્રાણીઓમાં ઝડપથી પ્રસરી રહ્યો છે જીવલેણ વાયરસ
કોરોનાનું કારણ બનેલો વાયરસ, SARS-CoV-2, હવે મનુષ્યો પછી જંગલી પ્રાણીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્જિનિયા ટેકના કરંજવેશન બાયૉલોજીસ્ટ અમાન્ડા ગોલ્ડબર્ગે માહિતી આપી છે કે, આ વાયરસ ઘણા જંગલી પ્રાણીઓની પ્રજાતિઓમાં જોવા મળ્યો છે. કેટલીક પ્રજાતિઓમાં તેનું સંક્રમણ 60% સુધી પહોંચી ગયું છે, જે વિશ્વને સાવધાન કરી રહ્યું છે.
જંગલમાંથી લાવવામાં આવેલા અને જે રિહેબિલેશન સેન્ટરમાં હતા તે પ્રાણીઓમાંથી 800થી વધુના સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આવી એન્ટિબોડીઝ 6 અલગ-અલગ પ્રજાતિના પ્રાણીઓમાં મળી આવી હતી, જે SARS-CoV-2 વાયરસના ચેપ પછી બની શકે છે. જો કે, મનુષ્યોમાં કોવિડ-19ના ફરીથી ચેપના કોઈ પુરાવા નથી.
શું કોરોના વાયરસ ફરી મનુષ્યોમાં ફેલાઈ શકે છે?
એકસપર્ટના મતે, જંગલોની આસપાસ જ્યાં લોકો વધુ રહે છે અથવા લોકોની ત્યાં અવર-જવર વધુ છે ત્યાં વાયરલ એન્ટિબોડીઝ ત્રણ ગણી વધુ છે. આવા વાયરસ માણસો દ્વારા ઝડપથી ફેલાય છે. જાનવરોમાંથી માણસોમાં વાયરસ ફેલાવાના બહુ ઓછા કેસ છે, પરંતુ આ વાયરસ જંગલી પ્રાણીઓમાં ફેલાવાને કારણે ચિંતા વધી ગઈ છે.
અમાન્ડાએ કહ્યું કે, જે પ્રાણીઓમાં કોવિડ 19 વાયરસ જોવા મળ્યો છે તેમાં કોટનટેલ સસલા, રકૂન (Raccoon), પૂર્વીય ઉંદરો, વર્જિનિયા ઓપોસમ(Virginia opossum), ગ્રાઉન્ડહોગ્સ (Groundhog) અને પૂર્વીય રેડ બેટ્સ (Eastern red bat)નો સમાવેશ થાય છે.
જોખમો
નિષ્ણાતો માને છે કે, જો મ્યુટેન્ટ વાયરસ દ્વારા હુમલો થાય છે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. વર્જિનિયા ટેકના મોલેક્યુલ બાયોલોજીસ્ટ કાર્લા ફિન્કેલસ્ટીનનું કહેવુ છે કે, વેક્સિનેશનના કારણે માનવી આ વાયરસથી બચી ગયા છે પરંતુ તે જંગલમાં ફેલાઈ રહ્યો છે. પ્રાણીઓમાં તેનો નવો મ્યુટેસન થઇ રહ્યો છે કારણ કે તેમના હોસ્ટ હવે નવા છે. ભવિષ્યમાં, આ મ્યુટન્ટ વાયરસ માનવો પર નવી રીતે હુમલો કરી શકે છે.
વાયરસને રોકવા માટે શું કરવાની જરૂર ?
નિષ્ણાતોના મતે, આ મહામારીને ફેલાતી રોકવા માટે વાયરસ પર નજર રાખવી પડશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, કોવિડ-19ના વાયરસ અને સંક્રમણને લઇને પર તમામ દેશોમાં નજર રાખવી પડશે, જેથી આ વાયરસ ફરીથી ન ફેલાય. જો આવું થાય, તો આ વખતે તે વધુ ખતરનાક બની શકે છે, કારણ કે મ્યૂટેશનનું લેવલ હજુ સુધી જાણી શકાયું નથી.