નમાજ પઢી રહ્યા હતા ત્યારે સામે કરવા લાગ્યા હનુમાન ચાલીસાના પાઠ, રેલવે પ્લેટફોર્મ પરનો વીડિયો વાયરલ
દુનિયાના અનેક દેશોમાં જાહેર સ્થળોએ નમાજ અદા કરવાને લઈને ઘણાં વિવાદો થયા છે. પોલીસે નમાજ અદા કરનારા સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક લોકો નમાઝના વિરોધમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક મુસાફરોએ રેલવે સ્ટેશન પર નમાજ અદા કરી રહેલા લોકોની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું હતું.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વીડિયો ક્યાંનો છે તેની કોઇ માહિતી મળી નથી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પર એક ટ્રેન ઉભી છે અને કેટલાક લોકો ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં બેઠેલા કેટલાક યુવાનોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા માંડ્યા. એવી શક્યતા છે કે આ વીડિયો હાલના સમયનો હોઈ શકે છે કારણ કે, વીડિયોમાં દેખાતા લોકો ઠંડીથી બચાવતા કપડાં પહેરેલા દેખાય છે.
યુઝર્સ આપી રહ્યાં છે પ્રતિક્રિયા
વીડિયોને શેર કરીને કેટલાક લોકો તેને ભાઈચારો કહી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે નમાઝ અદા કરતા લોકોને હેરાન કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યો છે.
એક યુઝર લખે છે કે, કેટલાક મુસ્લિમ યુવકો રેલવે સ્ટેશનની બાજુમાં કોઇને નડતરરૂપ ન થઇને નમાઝ અદા કરી રહ્યા હતા જે બાદ કેટલાક મુસ્લિમ વિરોધી હિંદુઓએ તેમની ધાર્મિક માન્યતાઓને જાગૃત કરી અને પ્રાર્થનામાં ખલેલ પહોંચાડવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, કેટલાક મુસ્લિમો રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરી રહ્યા હતા, અમારા હિન્દુ ભાઈઓએ પણ આ સમયે હનુમાન ચાલીસા શરૂ કરી હતી, મારો દેશ બદલાઈ રહ્યો છે. તો કોઇ કહી રહ્યું છે કે, આનાથી વધુ સારી વાત શું હોઈ શકે કે બંને ધર્મના લોકો એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના સાથે બેસીને ભગવાન અને અલ્લાહને યાદ કરે છે.