સોસાયટીનો ગેટ ખોલવામાં મોડુ થયુ તો મહિલાએ ગાર્ડ સાથે કરી ગાળાગાળી, નોએડાની પોશ સોસાયટીનો વિડિયો વાયરલ
નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ,2022 રવિવાર
નોએડાના પોશ વિસ્તારની હાઈ ફાઈ સોસાયટીમાં ગાળાગાળીનો વધુ એક મામલો સામે આવ્યો છે.
આ વખતે એક મહિલા વિવાદમાં ફસાઈ છે.સિક્યુરિટી ગાર્ડને ગાળો આપી રહેલી આ મહિલાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે.પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને હવે મહિલાની અટકાયત પણ કરી છે.
એવુ કહેવાય છે કે, સિક્યુરિટી ગાર્ડથી સોસાયટીનો ગેટ ખોલવામાં મોડુ થયુ હતુ અને તે નશામાં ધૂત મહિલાએ ગાર્ડ સાથે ગાળાગાળી શરુ કરી હતી.વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ગાર્ડનો કોલર પકડીને ખેંચતાણ કરી રહી છે.બીજો ગાર્ડ જ્યારે મહિલાને સમજાવે છે ત્યારે આ મહિલા બીજા ગાર્ડને પણ ગાળો આપવા માંડે છે.
આ સમયે હાજર કોઈએ આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેને શેર કરીને નોએડા પોલીસ સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
તાજેતરમાં ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીનો આ જ પ્રકારનો વિડિયો વાયરલ થયો હતો અને તે સમયે પણ ભારે ઉહાપોહ થયો હતો.તેના ગણતરીના દિવસોમાં આ પ્રકારની બીજી ઘટના બની છે.