બંગાળમાં કાયદાનું ચીરહરણ, ઈડી પછી એનઆઈએની ટીમ પર ટોળાનો હુમલો

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
બંગાળમાં કાયદાનું ચીરહરણ, ઈડી પછી એનઆઈએની ટીમ પર ટોળાનો હુમલો 1 - image


- ભૂપતિનગરમાં વિસ્ફોટ કેસની તપાસ કરનારી ટીમ પરના હુમલામાં બે અધિકારી ઘાયલ

- અડધી રાતે જ શા માટે દરોડા?, સરકાર ચૂંટણી પહેલાં અમારા બૂથ એજન્ટોની ધરપકડ કરવા માગે છે : મમતાની દાદાગીરી

- તપાસ એજન્સીઓ પર હુમલાને જરા પણ સાંખી નહીં લેવાય, કડક હાથે દબાવી દેવા જોઈએ : રાજ્યપાલ

- ધમાલ બાદ અંતે વિસ્ફોટ કેસના બે આરોપીની ધરપકડ

કોલકાતા : દેશમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે તેવા સમયે પશ્ચિમ બંગાળમાં કાયદાના શાસનનું ફરી એક વખત ચીરહરણ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પછી હવે શનિવારે પૂર્વી મેદિનીપુરના ભૂપતિનગરમાં એનઆઈએના અધિકારીઓની ટીમ પર હુમલો થયો હતો. આ ઘટનામાં બે અધિકારીઓ ઘાયલ થયા હતા જ્યારે એનઆઈએએ બે લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી પર હુમલા છતાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એજન્સીની તપાસ પર સવાલ ઉઠવતા કહ્યું કે, આ લોકો સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અડધી રાતે જ શા માટે જાય છે. તેઓ ચૂંટણી પહેલાં અમારા બધા બૂથ એજન્ટની ધરપકડ કરવા માગે છે. મમતાએ એનઆઈએની ટીમ પર ભૂપતિનગરમાં મહિલાઓ પર હુમલાનો પણ આરોપ મૂક્યો હતો.

એનઆઈએની ટીમ પૂર્વી મેદિનીપુરના ભૂપતિનગરમાં થયેલા વિસ્ફોટોના સંબંધમાં તપાસ કરવા પહોંચી હતી. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભૂપતિનગર વિસ્ફોટ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં અમારી ટીમે પૂર્વ મેદિનીપોર જિલ્લામાં ટોળાના પ્રતિકાર છતાં બે મુખ્ય કાવતરાંખોરોની ધરપકડ કરી હતી. મનોબ્રત જનાના ઘર સહિત પાંચ સ્થળો પર વ્યાપક તપાસ કર્યા પછી બલાઈ ચરણ મૈતિ અને મનોબ્રત જનાની ધરપકડ કરાઈ હતી. તેમને કોલકાતામાં સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયા હતા. તેમને લઈ જવાતા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. દેખાવો કરી રહેલા લોકોએ કથિત રીતે એનઆઈએ ટીમને બંને આરોપીને તેમની સાથે લઈ જતા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ગુસ્સે ભરાયેલા ટોળાએ એનઆઈએની ટીમ પર કથિત રીતે ઈંટ-પથ્થર ફેંક્યા હતા. આ હુમલામાં એનઆઈએના બે અધિકારીઓ ઘાયલ થયા હતા. હુમલાખોરોના પથ્થરમારાથી એનઆઈએની અનેક ગાડીઓને નુકસાન થયું હતું. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.  એનઆઈએએ ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભૂપતિનગરમાં ડિસેમ્બર ૨૦૨૨માં વિસ્ફોટ થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્ના, તેના ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયેન પર ગેરકાયદે સટ્ટાબાજીનો આરોપ મૂકાયો હતો. આ ઘટનાની તપાસ માટે એનઆઈએની ટીમ ભૂપતિનગર પહોંચી હતી. 

એનઆઈએની ટીમ પર હુમલાનો મુખ્યમંત્રી મમતા બેનરજીએ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ અડધી રાતે દરોડા શા માટે પાડયા, શું તેઓ દરેક બૂથ એજન્ટની ધરપકડ કરી લેશે? એનઆઈએની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અડધી રાતે ત્યાં જવાની જરૂર નહોતી. હકીકતમાં આ બધું કાવતરા હેઠળ થઈ રહ્યું છે અને ભાજપના કહેવાથી જ એનઆઈએની ટીમ બંગાળ આવી હતી. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી પંચ નિષ્પક્ષરૂપે કામ કરે, ભાજપ સંચાલિત આયોગ તરીકે નહીં.

મમતાએ એનઆઈએની ટીમ પર હુમલા મુદ્દે ગામવાસીઓનો બચાવ કર્યો હતો અને આ હુમલાઓને સ્વ-રક્ષણ ગણાવ્યું હતું. મમતાએ કહ્યું કે આ હુમલો ગામવાસીઓએ નહીં પરંતુ એનઆઈએની ટીમે કર્યો હતો. 

અડધી રાતે તમે કોઈના ઘરમાં ઘૂસી જાઓ તો શું મહિલાઓ બેસી રહેશે? તેઓ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરશે. દરમિયાન રાજ્યપાલ સીવી આનંદ બોસે એનઆઈએની ટીમ પર હુમલાને અત્યંત ગંભીર ઘટના ગણાવી છે. તપાસ એજન્સીઓ પર હુમલાના પ્રયાસોને જરા પણ સાંખી નહીં લેવાય. આવા હુમલાઓને કડક હાથે દબાવી દેવા જોઈએ. આ પ્રકારની ગૂંડાગીરી જરા પણ ચલાવી લેવાય નહીં. 

મામલો શું છે?

પશ્ચિમ બંગાળના ભૂપતિનગરમાં ડિસેમ્બર ૨૦૨૨માં રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી, જેમના પાછળથી મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાં ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધી હતી, પરંતુ એક્સ્પ્લોઝિવ સબસ્ટાન્સ એક્ટની જોગવાઈ લાગુ કરી નહોતી. પરિણામે કોલકાતા હાઈકોર્ટમાં એક રીટ પિટિશન દાખલ થઈ હતી અને કેસ એનઆઈએને ટ્રાન્સફર કરવા માગ કરાઈ હતી. હાઈકોર્ટના આદેશના પગલે એનઆઈએએ જૂન ૪, ૨૦૨૩ના રોજ આ કેસની તપાસ શરૂ કરી હતી અને એક્સ્પ્લોઝિવ સબસ્ટાન્સ એક્ટ સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન એનઆઈએએ નારૌબિલા ગામના મનોબ્રત જના અને નિનારુયા અનાલ્બેરિયાના બલાઈ ચરણ મૈતી સહિત અન્ટ કેટલાક આરોપીઓની સંડોવણી ખુલ્લી પાડી હતી. જના અને મૈતી ક્રુડ બોમ્બ બનાવવામાં સંડોવાયેલા હતા.


Google NewsGoogle News