બજરંગ પુનિયા બાદ વિનેશ ફોગાટનો મોટો નિર્ણય, પરત કરશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ
રેસલર વિનેશ ફોગાટે પોતાનો પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી
Vinesh Phogat: ભારતીય કુશ્તી મહાસંઘમાં મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ અધ્યક્ષ બ્રૃજભૂષણ શરણ સિંહ સામે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોની લડત હજુ પણ ચાલુ છે. કુશ્તીમાં ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા પહેલવાન બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરવાની જાહેરાત હતી. હવે રેસલર વિનેશ ફોગાટે પોતાનો પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે.
મહિલા રેસલર વિનેશ ફોગાટે વડપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે, હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. આ પરિસ્થિતિ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. આ પત્રને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
હાલમાં જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહનો વિજય થયો હતો અને પૂર્વ કુસ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. ત્યાર પછી મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃતિ લેવાની અને ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પદ્મ પુરસ્કારને પરત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરતા આખેઆખઆ રેસલિંગ ફેડરેશનને જ સસ્પેન્ડ કરી દીધું હતું.