કોંગ્રેસ નેતાએ વિનેશને રાજ્યસભા મોકલવાની કરી વાત, તો મહાવીર ફોગાટે કર્યો પલટવાર, કહ્યું- પોતે CM હતા ત્યારે તો...

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ નેતાએ વિનેશને રાજ્યસભા મોકલવાની કરી વાત, તો મહાવીર ફોગાટે કર્યો પલટવાર, કહ્યું- પોતે CM હતા ત્યારે તો... 1 - image


Bhupinder Singh Hooda On Vinesh Phogat:  હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એ વાતની તપાસ થવી જોઈએ કે, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાનું શું કારણ હતું. વધુમાં આગળ તેમણે એમ પણ કહ્યું કે, અત્યારે હરિયાણામાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. જો મારી પાસે બહુમતી હોત તો હું તેમને રાજ્યસભામાં મોકલી આપત.

વિનેશના કાકાનો મોટો પલટવાર 

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદન બાદ વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગાટે ઉલટાનું કોંગ્રેસના પૂર્વ સીએમ પર મોટો આરોપ લગાવ્યો છે. મહાવીર ફોગાટે કહ્યું કે, જ્યારે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હરિયાણાના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગીતા અને બબીતા ​​સાથે ભેદભાવ કર્યો હતો. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આજે વિનેશ વિશે જે કહી રહ્યા છે તે માત્ર રાજકીય સ્ટંટ છે. તેમણે કહ્યું કે, જ્યારે 2005 અને 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી, ત્યારે બબીતાએ સિલ્વર મેડલ અને ગીતાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2012માં ગીતા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પ્રથમ મહિલા રેસલર હતી.

હુડ્ડા સીએમ હતા ત્યારે કર્યો હતો ભેદભાવ

તે સમયની રમત-ગમત પોલિસી મુજબ ગીતા અને બબીતા ​​બંનેને ડીએસપીની પોસ્ટ મળવાની હતી. પરંતુ તે વખતે હુડ્ડા સાહેબે ભેદભાવ કર્યો અને ગીતાને ઈન્સ્પેક્ટર અને બબીતાને સબ ઈન્સ્પેક્ટર બનાવ્યા. આ પછી અમે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના નિર્ણય બાદ ગીતાને ડીએસપીનું પદ મળ્યું હતું.

ભારત રત્ન મળવો જોઈએ : અભિષેક બેનર્જી

આ પહેલા પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ વિનેશ ફોગટને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ભારત રત્ન નથી, તો રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવવા જોઈએ.


Google NewsGoogle News