VIDEO: ઉમેદવારી નોંધાવ્યા બાદ વિનેશ ફોગાટના વિરોધી પર આકરા પ્રહાર, કહ્યું- ‘દુશ્મનને ક્યારેય...’
Haryana Assembly Election 2024 News : કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટે આજે હરિયાણાની જુલાના બેઠકથી ઉમેદવાર ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ તેમણે આશા વ્યક્ત કરી છે કે, મોટી જીત હાંસલ થશે. આ સાથે તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન વિરોધી પર આકરા પ્રહારો કર્યા છે.
દુશ્મનને ક્યારે નબળો ન સમજો : વિનેશ ફોગાટ
વિનેશે કહ્યું કે, ‘મારા માટે મોટી ખુશીની વાત છે કે, હું એક ફિલ્ડમાં આવી છું. ઓફિસમાં જઈને સરને મળ્યા બાદ એવું લાગ્યું કે, મારી જીત પાક્કી છે. જોકે તેમ છતાં અમે મહેનત કરી રહ્યા છીએ. અમે રેસલિંગમાં શીખ્યું છે કે, દુશ્મનને ક્યારે નબળો ન સમજો. અમે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારા પર સતપાલજીના આશીર્વાદ છે, જે રીતે તેમણે લોકસભામાં જીત મેળવી હતી, એવી જ રીતે અમને પણ તેમનાથી વધુ પ્રેમ અને આશીર્વાદ મળે.’
આ પણ વાંચો : હરિયાણા ચૂંટણી માટે આપની 21 ઉમેદવારની યાદી જાહેર, જાણો વિનેશ ફોગાટ સામે કોને ટિકિટ આપી
‘જુલાનાના લોકોએ મારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ દાખવ્યો’
કોંગ્રેસ ઉમેદવાર ફોગાટે વધુમાં કહ્યું કે, ‘જનતા ઈચ્છે છે કે, ભૂપિંદર સિંહ હુડ્ડાની સરકાર આવે અને તમામ વર્ગનું કલ્યાણ થાય. જુલાનાના લોકોએ મારા પ્રત્યે જે પ્રેમ અને વિશ્વાસ દાખવ્યો છે, હું તેના પર હંમેશા ખરી ઉતરીશ. જુલાના લોકોએ મને બહુથી વધુ દીકરીનું સન્માન આપ્યું છે. હું નસીબદાર છું કે મને બે જગ્યા પરથી પ્રેમ મળી રહ્યો છે. હું જ્યાં જન્મી છું, ત્યાંથી પણ પ્રેમ મળી રહ્યો છે.’
વિનેશ જીતશે, હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે : દીપેન્દ્ર સિંહ હુડ્ડા
વિનેશ ફોગાટે ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ‘આ એક મોટી જીત હશે. જુલાનામાં અમારી બહેન વિનેશને ઐતિહાસિક જીત મળશે અને હરિયાણામાં ભૂપિંદર સિંહ હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બનશે. વિનેશે ઘણો સંઘર્ષ કર્યો છે. દીકરીઓના સન્માન માટે સરકાર વિરુદ્ધ લડત ચલાવી છે, જે સામાન્ય સંઘર્ષ નથી. જ્યારે વિનેશને બળી ગયેલી કારતૂસ કહેવાયું, ત્યારે તેણે ઓલિમ્પિકમાં જે પ્રદર્શન કર્યું છે, તેવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા નહીં મળે. દેશનો દરેક વ્યક્તિ વિનેશના સંઘર્ષને પ્રેરણા સ્ત્રોત માનશે.’