દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જુબાની આપનારા કુસ્તીબાજોની સુરક્ષા હટાવી : વિનેશ ફોગાટનો દાવો
Vinesh Phogat News : ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સાથે જોડાયેલા મામલા અંગે એક પોસ્ટ કરી છે. તેમાં તેણે કહ્યું છે કે, 'દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપનાર મહિલા રેસલર્સની સુરક્ષા હટાવી દીધી છે.' આ પોસ્ટમાં તેણે દિલ્હી પોલીસ, દિલ્હી મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગને ટેગ પણ કર્યા છે.
દિલ્હી પોલીસે જવાબ આપ્યો
દિલ્હી પોલીસે વિનેશ ફોગાટની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીના ડીસીપીના જણાવ્યા અનુસાર, 'ફાયરિંગ પ્રેક્ટિસ માટે પીએસઓને બોલાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રેક્ટિસમાં આ એક સામાન્ય પ્રવૃત્તિ છે. પીએસઓ તાલીમ લઈને તેમની ફરજ પર પરત ફર્યા હતા. આ માહિતી કુસ્તીબાજોને અગાઉથી આપવામાં આવી હતી. સુરક્ષા પાછી ખેંચવાનો કોઈ આદેશ નથી. જો આવું થયું હશે તો તપાસ થશે.'
બ્રિજ ભૂષણ સામે કેસ નોંધાયો હતો
નોંધનીય છે કે, આ મામલે આ વર્ષે મે મહિનામાં બ્રિજ ભૂષણને મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજ ભૂષણ સામે ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તેની સામે કલમ 354, 506 અને અન્ય કલમો હેઠળ આરોપો નોંધવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ તેની વિરૂદ્ધ યૌન શોષણના આરોપોના કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ જૂન 2023માં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
શું હતો મામલો?
જાન્યુઆરી 2023માં, જ્યારે વિનેશ, સાક્ષી અને બજરંગ પુનિયા તેમજ ઘણી યુવા મહિલા કુસ્તીબાજો સાથે મળીને નવી દિલ્હીના જંતર-મંતર પર બૃજભૂષણ શરણ સિંહ સામે લડત આપી રહ્યા હતા. વિનેશ-સાક્ષી સહિત ઘણી મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ પર છેડતી, યૌન શોષણ અને મનસ્વીતાનો આરોપ લગાવ્યો હતો અને તેને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ દરમિયાન વિરોધ ચાલુ રહ્યો હતો અને પોલીસ સાથે અવારનવાર ઘર્ષણ પણ થયું હતું. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, નિવેદનો નોંધવામાં આવ્યા છે.