બજરંગ પુનિયા પછી વિનેશ ફોગાટે પણ ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પરત કર્યા
- પીએમઓ જતા રોકવામાં આવતા ફોગાટે મેડલ રસ્તા પર મૂકી દીધા
- આ દિવસ કોઈ ખેલાડીએ જોવા ના પડે, મહિલા પહેલવાનો ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે : ફોગાટ
નવી દિલ્હી : ભારતીય કુશ્તીમાં મહિલા પહેલવાનોના શોષણ મુદ્દે પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધનો વિવાદ હજુ પણ યથાવત્ છે. પહેલવાન બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યા પછી હવે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી દીધા છે. વિનેશ એવોર્ડ પાછા આપવા પીએમઓ જઈ રહી હતી ત્યારે રસ્તામાં પોલીસે રોકતા તેણે કર્તવ્ય પથ પર બેરિકેડ્સ પર એવોર્ડ છોડી દીધા હતા.
એવોર્ડ પરત કરતી વખતે વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, આ દિવસ કોઈ ખેલાડીના જીવનમાં ના આવે. દેશની મહિલા પહેલવાનો ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. વિનેશ ફોગાટે ૨૬ ડિસેમ્બરે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી હતી.
હકીતમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. આથી, બ્રિજભૂષણનો વિરોધ કરી રહેલા પહેલવાનો સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સહિતના પહેલવાનો નારાજ થઈ ગયા હતા.
સજંય સિંહ ચૂંટાઈ આવતા એ જ દિવસે સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું કે દેશમાં હવે મહિલા પહેલવાનોનું ભાવિ અંધકારમય છે. સાક્ષી મલિકની નિવૃત્તિના બીજા જ દિવસે બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કરી દીધો હતો અને વડાપ્રધાન નરન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો.
નોંધનીય છે કે પહેલવાનોના વિરોધના પગલે રમત મંત્રાલયે ડબલ્યુએફઆઈની માન્યતા રદ કરી દીધી હતી અને ફેડરેશનના સંચાલન માટે ભારતીય ઓલિમ્પિક સંગઠનને એડહોક સમિતિ બનાવવાની જવાબદારી સોંપી હતી. વધુમાં કુશ્તી મહાસંઘનું સંચાલન પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના ઘરેથી થતું હતું. આથી સરકારે શુક્રવારે કુશ્તી મહાસંઘનું મુખ્યાલય પણ બદલી નાંખ્યું છે. દરમિયાન સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના પહેલવાનોનું કહેવું છે કે જ્યાં સુધી બ્રિજમોહન શરણ સિંહ સામે પગલાં લેવામાં નહીં આવે અને શોષણનો ભોગ બનનારી મહિલા પહેલવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.