ગામના લોકો અદાલત જતાં ડરે છે, દુષ્કર્મ કેસમાં એક પેઢી સુધી ચુકાદો નથી આવતો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ટકોર

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ગામના લોકો અદાલત જતાં ડરે છે, દુષ્કર્મ કેસમાં એક પેઢી સુધી ચુકાદો નથી આવતો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ટકોર 1 - image


Image: Facebook

Droupadi Murmu: દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રનું રાષ્ટ્રીય સંમેલન યોજાયુ. જેમાં દેશના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે ન્યાયિક સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરે ભરતી કરવા પર જોર આપવાની વાત કરી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે ન્યાયિક સેવામાં ભરતી પર રાષ્ટ્રીય એકીકરણ વિશે વિચારવામાં આવે જે પ્રાદેશિકતા અને રાજ્ય સ્તરની પસંદગીની સંકુચિત માનસિકતાથી બહાર હોય. જિલ્લા ન્યાયતંત્રના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારોહમાં સીજેઆઈએ કહ્યું કે સમગ્ર દેશમાં ભરતી કેલેન્ડરને નિર્ધારિત કરવાની જરૂર છે જેથી સમયસર ખાલી પદ ભરવાનું નક્કી થઈ શકે. 

ક્યાં કેટલા પદ ખાલી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં સીજેઆઈએ કહ્યું કે જિલ્લા સ્તરે ન્યાયિક કર્મચારીઓના 28 ટકા અને બિન-ન્યાયિક કર્મચારીઓના 27 ટકા પદ ખાલી છે. કેસના નિકાલની સંખ્યા નવા નોંધાયેલા કેસ કરતાં વધવી કુશળ લોકોની ભરતી પર નિર્ભર કરે છે. સીજેઆઈએ જૂના પડતર કેસોને ઓછા કરવાના રોડમેપનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એકવાર ફરી ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપતાં સવાલ કર્યો કે શું જિલ્લા સ્તરે કોર્ટનું માત્ર 6.7% મૂળભૂત માળખું જ મહિલા-અનુકૂળ હોવું સ્વીકાર્ય છે? કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ પણ કર્યું. સમારોહમાં જસ્ટિસ સૂર્યકાંત અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતાં. 

ગરીબ લોકો કોર્ટ જવાથી ડરે છે

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે પડતર કેસોની સંખ્યા ન્યાયતંત્રની સામે એક મોટો પડકાર છે. દુષ્કર્મ જેવા જઘન્ય ગુનામાં જ્યારે નિર્ણય એક પેઢી સુધી આવતો નથી તો સામાન્ય માણસને ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતાની ઉણપ લાગે છે. ગામના ગરીબ લોકો કોર્ટ જવાથી ડરે છે. તેમને લાગે છે કે ન્યાય માટે લડવું તેમના જીવનને વધુ કષ્ટમય બનાવી શકે છે. ઘણા લોકો કલ્પના પણ નથી કરી શકતાં કે મુલતવી રાખવાની સંસ્કૃતિના કારણે ગરીબ લોકોને કેટલું દુ:ખ થાય છે. આ સ્થિતિને બદલવા માટે દરેક શક્ય ઉપાય કરવાં જોઈએ. 


Google NewsGoogle News