ગામડાના લોકોએ વોટ ન આપ્યા તો ટ્રેક્ટર વડે રોડ ખોદી કાઢ્યો, પૂર્વ સરપંચની ગુંડાગર્દી!
Jehanabad: બિહારના જહાનાબાદથી પૂર્વ સરપંચની શરમજનક હરકત સામે આવી છે. પૂર્વ સરપંચની આ હરકતથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. જહાનાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેક્ટર દ્વારા ખેતરોની વચ્ચેનો રસ્તો ખોદવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ડાંગરનો પાક પણ દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડાણ કરવાનો તો સવાલ જ નથી ઊભો થતો અને કોઈ પણ ઋતુમાં રસ્તાનું ખેડાણ તો સમજની બહાર છે. હકીકતમાં આ ઘટના એવી છે કે, આ વીડિયોમાં દેખાઈ રહેલું ટ્રેક્ટર ગામના પૂર્વ સરપંચનું છે. હવે સરપંચ એ વાતથી નારાજ છે કે, તેમને ગામના લોકોએ મત ન આપ્યા. આથી હવે સરપંચ તેમનો રસ્તો નથી બનવા દઈ રહ્યા.
જહાનાબાદમાં પૂર્વ સરપંચે ગુંડાગર્દી દેખાડતાં ગામનો રસ્તો ટ્રેક્ટરથી ખોદી કાઢ્યો છે. જેના કારણે અનેક ગામના લોકોના વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે. રસ્તો ખોદી કાઢતાં ગ્રામીણોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તો ખોદી કાઢવાથી નારાજ ગ્રામીણોએ જિલ્લા અધિકારીને મળીને તેમને જુહાર લગાવી છે.
ચૂંટણી હારી ગયા તો રસ્તો ખોદી કાઢ્યો
આ મામલો સદર બ્લોક વિસ્તારના નૌરુ પંચાયતના સિવલ બીઘા ગામનો છે. વાસ્તવમાં પૂર્વ સરપંચ છોટન યાદવ 20 વર્ષ સુધી નૌરુ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે પંચાયતમાં કોઈ વિકાસના કામો નથી કર્યા. તેથી ગ્રામજનોએ આ પંચાયત ચૂંટણીમાં પૂર્વ સરપંચ છોટન યાદવને મત નહોતા આપ્યા અને તેમને ભારે મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે વર્તમાન સરપંચ પીસીસી રોડ બનાવી રહ્યા હતા, જેના કારણે પૂર્વ સરપંચ છોટન યાદવ અને તેમના સમર્થકોએ ટ્રેક્ટર વડે રસ્તો ખોદી કાઢ્યો.
આ રોડ ખાનગી જમીન પર બનાવવામાં આવ્યો છે: પૂર્વ સરપંચનો દાવો
ગ્રામીણોનું કહેવું છે કે, ચૂંટણીમાં પૂર્વ સરપંચને મત ન આપ્યા તેથી તેઓ ગુસ્સમાં આવીને રોડ નથી બનવા દઈ રહ્યા. અગાઉથી જ બનેલી સોલિંગને પણ ટ્રેક્ટર વડે તોડી નાખી છે. ખાસ વાત એ છે કે, આ સોલિંગ પૂર્વ સરપંચે પોતે જ બનાવી હતી. તેના તૂટવાથી ત્રણ ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વિરોધ કરવા પર મારપીટ કરે છે. આ અંગે બ્લોક ડેવલપમેન્ટ ઑફિસર અનિલ મિસ્ત્રીએ જણાવ્યું કે આ મામલો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ સરપંચનું કહેવું છે કે, આ રોડ મારી ખાનગી જમીનમાં બનાવવામાં આવી રહ્યો હતો. સીઓ તપાસ કરી રહ્યા છે. હવે સવાલ થાય છે કે જો જમીન ખાનગી છે તો ભૂતકાળમાં જ્યારે છોટન યાદવ સરપંચ હતા ત્યારે તે જમીન પર સોલિંગ કેવી રીતે કરવામાં આવ્યું? હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.