પંજાબના ગામમાં યુપી-બિહારના લોકોને રાતે 9 પછી બહાર ન નીકળવાનું ફરમાન, પરપ્રાંતના લોકોને ચેતવણી
Punjab News: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે રાતે 9 વાગ્યા પછી કોઈ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઈએ.
નવા નિયમોને પગલે કેટલાક પ્રવાસીઓએ ગામ છોડ્યું
આ ગામમાં લગભગ 2000ની વસ્તી છે જેમાં 500 પ્રવાસી છે. ગામના રહેવાસીઓનું માનવું છે કે જેમને અહીં રોકાવું છે, તેમણે આ નિયમોનું પાલન કરવું પડશે. ગામમાં અનેક જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે.
પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે
અનેક પ્રવાસી આ એકતરફી નિર્ણયને માનવા મજબૂર છે. તો કેટલાક લોકોએ ગામ જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે. આ ઉપરાંત સિગારેટ પીવી, ગુટખા ખાવા અને પાન મસાલાના ઉપયોગની પરવાનગી નથી. આનાથી તે લોકો સડકો પર થૂંકે છે અને ગંદકી ફેલાવે છે.
બોર્ડમાં લખવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું વેરિફિકેશન જરૂરી છે. પ્રવાસીઓ પાન, ગુટખા, બીડીનો ઉપયોગ ગામમાં કરી શકશે નહીં. પ્રવાસી રાતે 9 વાગ્યા પછી બહાર જોવા મળવા ન જોઈએ. એક રૂમમાં બેથી વધારે પ્રવાસી રહેવા જોઈએ નહીં અને જે પણ રહે તેનું વેરિફિકેશન જરૂરી છે. પ્રવાસીઓ ગામમાં અર્ધ નગ્ન અવસ્થામાં જોવા મળવા જોઈએ નહીં.
ગ્રામજનોએ ગુસ્સો વ્યક્ત કર્યો
ગ્રામીણ સજ્જન સિંહે પોતાના ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રવાસી અર્ધ નગ્ન અવસ્થામાં ફરતા જોવા મળે છે. જેના કારણે મહિલાઓને સમસ્યા થાય છે. અન્ય એક ગ્રામીણ ગુરમીત સિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા લોકો ગુરુદ્વારા સામે પણ થૂંકી દેતા હોય છે.