PM મોદીના વોટ્સઍપ મેસેજથી ભડકી કોંગ્રેસ, સરકારી ડેટાબેઝના દુરુપયોગનો લગાવ્યો આરોપ
વૉટ્સઅપ યુઝર્સોને ‘વિકસિત ભારત સંપર્ક’નો મેસેજ મોકલાતા વિપક્ષી નેતાઓએ વાંધો ઉઠાવ્યો
PM મોદી પ્રતિક્રિયા માંગવાની આડમાં સરકારી ડેટાબેઝનો દુરુપયોગ કરી રહ્યા છે : કેરળ કોંગ્રેસ
Viksit Bharat Sampark WhatsApp Message Controversy : દેશના ઘણા વૉટ્સઅપ યુઝર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના પત્ર સાથે પ્રતિક્રિયા અને સૂચનો માંગતો ‘વિકસિત ભારત સંપર્ક (Viksit Bharat Sampark)’નો મેસેજ મોકલાતા વિપક્ષી નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષી નેતાઓએ રાજકીય પ્રચાર માટે સરકારી ડેટાબેઝ અને મેસેજિંગ એપનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે.
‘PM મોદી સરકારી ડેટાબેઝનો દુરુપયોગ’
કેરળ કોંગ્રેસ એકમે કહ્યું કે, આ મેસેજ દ્વારા નાગરિકો પાસેથી પ્રતિક્રિયા મંગાઈ છે, જોકે તેમાં મોકલાયેલ પીડીએફમાં રાજકીય પ્રચાર સિવાય કંઈપણ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિક્રિયા માંગવાની આડમાં આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનનો પ્રચાર કરી રહ્યા છે અને સરકારી ડેટાબેઝનો દુરુપયોગ કરી રહ્યા છે. કેરળ કોંગ્રેસે વૉટ્સએપ પોલિસીનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે, કંપનીએ રાજકીય દળો, રાજકીય નેતાઓ, રાજકીય ઉમેદવારો અને રાજકીય અભિયાનો દ્વારા મેસેજિંગ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
‘વિકસિત ભારત સંપર્ક’ મેસેજમાં શું લખાયું છે
‘વૉટ્સઅપના મેસેજ ઈન્ફો’ મુજબ આ મેસેજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મોકલાયો છે અને મેસેજમાં લખાયું છે કે, ‘આ પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 140 કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ તેનો લાભ મળતો રહેશે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારું સમર્થન અને તમારું સૂચન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, યોજનાઓ અંગે તમારા મંતવ્યો લખવા વિનંતી છે.’