વિક્રમ સારાભાઈ પુણ્યતિથિઃ ISROનો પાયો નાંખનારા આ વિજ્ઞાનીના લગ્નમાં પરિવાર આવી નહોતો શક્યો
Dr. Vikram Sarabhai Death Anniversary: ડૉ. વિક્રમ સારાભાઈ. ભારતના આ મહાન વિજ્ઞાનીનું નામ ભારતીયો માટે અજાણ્યું નથી. આજે, એમની પુણ્યતિથિ નિમિત્તે, ચાલો યાદ કરીએ એ મહાન હસ્તીને જેમણે પોતાની પ્રતિભાથી ભારતનું નામ વિશ્વભરમાં ગાજતું કર્યું.
વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા
વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં એક જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા અને ભારતની આઝાદીના ચળવળમાં તેમણે હિસ્સો લીધો હતો. વિક્રમ સારાભાઈએ પ્રારંભિક અભ્યાસ ભારતમાં કર્યો હતો. બાદમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં અભ્યાસ કરવા ગયા, જ્યાંથી તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી.
![]() |
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા
વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અપ્રતિમ પ્રદાન બદલ તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાનીઓ જેમણે ભારતને ISRO આપ્યું
નવેમ્બર 1947માં અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી હતી. આ લેબોરેટરી શરૂઆતમાં પીઆરએલ સંશોધન પર જ કામ કરતી હતી, પણ પાછળથી વિક્રમ સારાભાઈના પ્રયત્નોને કારણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નો પાયો નાખવામાં આવ્યો હતો.
![]() |
આ રીતે થઈ હતી ISROની સ્થાપના
અગાઉ ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) તરીકે ઓળખાતા ISROની સ્થાપના વિક્રમ સારાભાઈના વિઝનને કારણે ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ, 1969ના રોજ થઈ હતી. તેમણે ISROના પ્રથમ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને ભારતના અવકાશ કાર્યક્રમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સારાભાઈએ અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરની પણ સ્થાપના કરી. જે ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સારાભાઈનો પરિવાર એમના લગ્નમાં સામેલ નહોતો થઈ શક્યો
વિક્રમ સારાભાઈના લગ્ન ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સ્વામીનાથન સાથે થયા હતા, પરંતુ તેમનો પરિવાર તેના લગ્નમાં હાજર રહી શક્યો ન હતો. જે સમયે સારાભાઈના લગ્ન થયા હતા તે સમયે દેશમાં ભારત છોડો આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું. જેના કારણે આંદોલનકારીઓએ ટ્રેનના પાટા ઉખેડી નાખ્યા હતા. આ કારણે સારાભાઈનો પરિવાર તેમના લગ્નમાં હાજર રહી શક્યો ન હતો.
![]() |
પરિવારમાં બધા જ પ્રસિદ્ધ હસ્તીઓ છે
વિક્રમ સારાભાઈના પત્ની મૃણાલિની પ્રસિદ્ધ ક્લાસિકલ ડાન્સર હતા. તેમના દીકરી મલ્લિકા સારાભાઈ પણ ક્લાસિકલ ડાન્સર અને અભિનેત્રી છે. તેમના પુત્ર કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય શિક્ષક છે. સારાભાઈના પત્ની અને પુત્રીને પદ્મભૂષણ તથા પુત્રને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. 30 ડિસેમ્બર 1971ના રોજ 52 વર્ષની વયે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતાં ડૉ. વિક્રમ સારાભાઈનું અવસાન થયું હતું.