ભારતના નવા વિદેશ સચિવ વિક્રમ મિસરી, ચીન બાબતોના નિષ્ણાત ત્રણ PM સાથે કામ કરી ચૂક્યા છે
Vikram Misri New foreign secretary : વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું.
ચીન બાબતોના સ્પેશ્યાલિસ્ટ મનાય છે મિસરી
7 નવેમ્બર 1964ના રોજ શ્રીનગરમાં જન્મેલા વિક્રમ મિસરીને ચીન બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. મિસરીએ એવા સમયે મહત્વપૂર્ણ પદ સંભાળ્યો છે જ્યારે ભારત પૂર્વી લદ્દાખ સરહદ વિવાદને પગલે ચીન સાથેના તેના ખરાબ સંબંધો સહિત જુદી જુદી વિદેશ નીતિ સામેના પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, "વિક્રમ મિસરીએ આજેવિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વિદેશ મંત્રાલયની ટીમ વિદેશ સચિવ મિસરીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તેમને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવે છે."
ચીનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે મિસરી અગાઉ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને ત્રણ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલ, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે સેવા આપવાનું દુર્લભ ગૌરવ પણ પ્રાપ્ત છે. ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત થતાં પહેલાં મિસરીએ 2019-2021 સુધી ચીનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી.
ગલવાનમાં અથડામણ બાદ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
જૂન 2020માં ગલવાન ખીણની અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ મિસરીએ જ ચીન સાથેની વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. ગલવાન ખીણમાં ભીષણ અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, જે દાયકાઓમાં બંને દેશો વચ્ચેની સૌથી મોટી અથડામણની ઘટના મનાય છે.