ઝંડાગીતમાં કવિને આ એક શબ્દ ઉમેરવાની સુચના ગાંધીજીએ આપી હતી
આઝાદી માટેની લડતમાં આ ઝંડા ગીતે જન ચેતના જગાડી હતી
શ્યામલાલ ગુપ્તે ઇસ ૧૯૨૪માં ઝંડાગીતનું સર્જન કર્યુ હતું
અમદાવાદ,14 ઓગસ્ટ,2024, ગુરુવાર
આઝાદીની લડત દરમિયાન જન જનમાં ચેતના જગાવનારા અનેક દેશભકિત ગીત રચાયા હતા. જેમાંનું ઝંડાગીત ઝંડા ઉંચા રહે હમારાનું સર્જન શ્યામલાલ ગુપ્તએ ઇસ ૧૯૨૪માં કર્યું હતું. સ્વાતંત્રસેનાની શ્યામલાલે આઝાદીના આંદોલનમાં અનેક વાર જેલ ભોગવી હતી. ઇસ ૧૯૨૧માં તેઓ અસહકારના આંદોલનના એક કેસ સંદર્ભે સ્વાતંત્રસેનાની અને લેખક ગણેશ શંકર વિધાર્થીના પરીચયમાં આવ્યા હતા. ફતેહપુરને આઝાદી આંદોલન માટે પોતાનું કાર્યક્ષેત્ર બનાવનારા શ્યામલાલને ગણેશ શંકરે ઝંડાગીતનું સર્જન કરવાની પ્રેરણા આપી હતા.
શાંતિસુધા શબ્દ હતો તેને બદલીને પ્રેમસુધા કર્યો હતો.
ઝંડા ઉંચા રહે હમારા,સદા શકિત બરસાને વાલા ગીતની પંકિતઓ ગણેશ શંકરને ખૂબજ ગમી હતી. આ ઝંડા ગીત ગાંધીજીને બતાવતા તેમણે ઝંડાગીતમાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યું હતું. જેમાં ગાંધીજીએ આ ગીતના પહેલા ખંડની ત્રીજી પંકિતમાં મૂળ તો શાંતિસુધા શબ્દ હતો તેને બદલીને પ્રેમસુધા કર્યો હતો.
આ ઉપરાંત કેટલીક પંકિતઓને નકારીને ઝંડાગીત ટુંકુ કરીને છેવટે પસંદ કર્યું હતું. મહાસભાના કાનપુર અધિવેશનમાં ધ્વજારોહણ દરમિયાન પહેલીવાર તેને સામુહિક રીતે ગાવામાં આવ્યું હતું. ત્યાર બાદ આઝાદી માટેની સભાઓ અને સંમેલનોમાં ઝંડા ગીતનું ગાન થવા માંડયું હતું.
ઝંડા ગીતના રચયિતાને અંગ્રેજોએ 500 રુપિયાનો દંડ કર્યો હતો
ઝંડા ગીત બ્રિટીશ હકુમતને આંખના કણાની જેમ ખુંચતું હતું.ત્રિપુરામાં સુભાષચંદ્ર બોઝે ૧ લાખ લોકોની હાજરીમાં આ ગીત ગાયું હતું. આજે આબાલવૃધ્ધ જે સુંદર ઝંડાગીત ગણગણે છે તેના સર્જક સાવ ભૂલાઇ ગયા છે. ઉત્તરપ્રદેશના કાનપુર પાસેના એક કસ્બામાં સાધારણ પરીવારમાં જન્મેલા શ્યામલાલે અધ્યાપકની નોકરી છોડીને આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો.તેમણે અંગ્રેજો વિરુધ એક વ્યંગ રચના લખવા બદલ ૫૦૦ રુપિયાનો દંડ પણ ભરવો પડયો હતો. જેલ દરમિયાન સર્જક સાથીદારો સાથે મળીને કાવ્યગોષ્ઠિનું આયોજન કરતા હતા.