કોંગ્રેસના પરાજયના 5 મોટાં કારણો, બે રાજ્યોમાં સત્તા ગુમાવી, નબળાં પ્રદર્શન માટે જવાબદાર કોણ?
4 રાજ્યોમાંથી 3માં કોંગ્રેસે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો
2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ (BJP) માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ
5 Reasons for congress lost Election 2023 | 5 રાજ્યોમાં ચૂંટણી યોજાયા બાદ લગભગ 4 રાજ્યોના પરિણામ સ્પષ્ટ થઇ ચૂક્યા છે. 4 રાજ્યોમાંથી 3માં કોંગ્રેસે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ (BJP) માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ પરિણામને ખાસ કરીને ભારતના હિન્દી બેલ્ટનો મૂડ પણ કહી શકાય. આ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની બમ્પર જીતના અનેક કારણો હોઈ શકે છે પરંતુ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ તેના હારના મોટા કારણો પર જરૂરથી વિચારશે. જો સામાન્ય રીતે જોવામાં આવે તો કોંગ્રેસના પરાજયના આ 5 મોટા કારણો હોઇ શકે છે.
1. કોંગ્રેસનું નબળું સંગઠન - ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસનું સંગઠન ખૂબ જ નબળું દેખાય છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ સેવા દળ, મહિલા કોંગ્રેસ, સર્વોદય, યુથ કોંગ્રેસ જેવા સંગઠન પાર્ટી માટે ઘણું કામ કરતા હતા. તેમનો સંપર્ક સીધી રીતે લોકો સાથે હતો અને સરકારની નીતિઓ અને યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું સરળ બની જતું હતું. પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ તમામ સંગઠન સુસ્ત દેખાય છે. રાજ્યમાં સરકાર હોવા છતાં મતદારો સુધી વાત ન પહોંચવી આ જ દર્શાવે છે.
2. નેતૃત્વમાં વિશ્વાસનો અભાવ - સૌથી મોટા કારણોમાંથી એક કારણ એ પણ છે કે કોંગ્રેસનું નેતૃત્વ નબળું દેખાવા લાગ્યું છે. જોકે ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીને એક માસ લીડર (લોકનેતા) તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો. એ યાત્રા જ્યાં જ્યાંથી પસાર થઇ ત્યાં ત્યાં લોકો જોડાતા પણ દેખાયા પણ જ્યાં સુધી ભીડ વોટમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી કોઈ પણ નેતાનું લોકનેતા બનવું મુશ્કેલ છે. કોંગ્રેસના આંતરિક સંગઠનમાં જ પોતાના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસનો અભાવ દેખાય છે. જેનો લાભ સીધી રીતે ભાજપને મળે છે.
3. જૂથવાદ - આ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર જૂથવાદ જોવા મળ્યો. અશોક ગેહલોત અને સચિન પાયલટના જૂથમાં ખેંચતાણ પહેલા દિવસથી જ જોવા મળી રહી હતી. સમગ્ર પાંચ વર્ષ સુધી કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ આ ગરબડને ઠીક કરવામાં વ્યસ્ત રહ્યું. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાયા બાદ અનેક નાના નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી એ ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી.
4. નબળું કમ્યુનિકેશન - સવાલ એ છે કે કોંગ્રેસનું સંગઠન નબળું કેમ છે? એવું દેખાઈ આવે છે કે નેતૃત્વની વાત સંગઠન સુધી સ્પષ્ટ રીતે પહોંચી શકી રહી નથી. આ વખતે પ્રિયંકા ગાંધીએ ઘણો પ્રચાર કર્યો અને અનેક વાયદા કર્યા. પરંતુ તે વાયદા લોકોને સમજાયા નહીં. બીજી રીતે કહીએ તો પ્રિયંકા પોતાની વાત લોકોને સમજાવી ન શક્યા. આવી જ સ્થિતિ રાહુલની રહી. તેમણે પ્રચાર કર્યો પણ લોકોને સીધી રીતે કનેક્ટ ન કરી શક્યા. તેનાથી વિપરિત ભાજપમાં મોદી સહિત તમામ નેતાઓની વાતો લોકોને સમજાઈ. ચૂંટણી પરિણામ તેની સાક્ષી પૂરે છે.
5. વિવાદિત નિવેદનોની ભરમાર - કોગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીને ટારગેટ કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. દરેક વખતે ભાષાની મર્યાદા વટાવાઈ અને ભાજપે તેનો ફાયદો ઊઠાવ્યો. કોંગ્રેસ નેતા ખડગેએ પીએમ મોદી અંગે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે મોદીજી, જુઠ્ઠાંના સરદાર બની ગયા છે. પીએમ મોદી અંગે આ પ્રકારની નિવેદનબાજીથી દરેક વખતે ભાજપને લાભ થયો છે.