મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના બનાવ્યા વીડિયો, 103 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગાજ ગરજી
Mahakumbh Video Leak Case: મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરીછૂપી વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ પોલીસે આ મામલે 13 એફ.આઇ.આર. નોંધી છે. સાથે 103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે.
જોકે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે. પોલીસથી માંડીને ડુબકી લગાવનાર લોકો ચિંતા છે. કારણ કે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ મહાકુંભમાં ડુબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વીડિયો બનાવ્યા છે. તેમના ફોટા પાડી રહ્યા છે અને પછી આ વીડિયો અને ફોટાને ડાર્ક વેબ પર અપલોડ કરી રહ્યા છે. પોર્ન સાઇટ્સ પર મૂકીને રૂપિયા કમાઈ રહ્યા છે.
103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી
આ વાતનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે કર્યો છે. પ્રયાગરાજ પોલીસના અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ફેસબુક એકાઉન્ટ્સ અને ટેલીગ્રામ ચેનલ પર આવા વીડિયો અને ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી હતી. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે CCTV channel 11 નામની એક ટેલીગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાનો ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમાં કેટલાક ફોટા લગાવીને દાવો કરવામાં આવ્યો છે કે 1999 રૂપિયામાં આ ચેનલનું સબ્સક્રિપ્શન લેશો તો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો આપવામાં આવશે. આ પ્રકારના કેટલાક એકાઉન્ટ પોલીસને મળ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે આ એકાઉન્ટ વિશે માહિતી માંગી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે 13 એફ.આઇ.આર. નોંધી છે અને અત્યાર સુધીમાં 103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટની પાયલ સહિત દેશની અનેક હોસ્પિટલો, મોલમાંની મહિલાઓના CCTV હેક કરી ફૂટેજ વેચવાનો ગંદો ધંધો
વીડિયો અપલોડ કરી મહાપાપીઓએ રૂપિયા કમાયા
એફ.આઇ.આર અનુસાર ટેલીગ્રામ એકાઉન્ટ CCTV અને ચેનલ 11નું નામ છે. એફ.આઇ.આરમાં જણાવવામાં આવ્યું છે કે મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતાં અને કપડાં બદલતા ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં એ પણ જણાવવામાં આવ્યું છે કે ટેલીગ્રામ ચેનલનું સબ્સક્રિપ્શન 1999 રૂપિયામાં આપવામાં આવશે એટલે કે આ વીડિયો 2-2 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યા છે. તેના માટે ટેલીગ્રામ ચેનલે કેટલાક વીડિયોઝ અને ફોટા ટીઝર તરીકે ઉપયોગ પણ કર્યા છે.
ડી.આઇ.જી વૈભવ કૃષ્ણએ આપી આ જાણકારી
ડી.આઇ.જી વૈભવ કૃષ્ણએ કહ્યું કે કેટલાક ફોટા અને વીડિયો પર લખવામાં આવ્યું છે કે તે વેચાણ માટે ઉપલબ્ધ છે. એટલે કે તેના દ્વારા રૂપિયા કમાવવાનો ધંધો ચાલી રહ્યો છે. એટલા માટે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે અને ગુનેગારોને જલદી પકડી પાડવામાં આવશે. સનાતનના સૌથી મોટા મેળામાં મહાપાપની તપાસ શરુ થઈ ગઈ છે. જલદી જ આરોપી જેલના સળિયા પાછળ હશે.
આ પણ વાંચો: રાજકોટની પાયલ હોસ્પિટલ વીડિયો લીક કેસ : મહારાષ્ટ્રથી 2, યુપીથી 1 આરોપીની ધરપકડ
સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઇ.આર
પ્રયાગરાજના સાયબર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @neha1224872024ના વિરુદ્ધ BNSની કલમ 79, 353, IT ઍક્ટની કલમ-67માં એફ.આઇ.આર. નોંધવામાં આવી છે. પોલીસે ઇન્સ્ટાગ્રામ હેડ ઑફિસ કેલિફોર્નિયાને એક ઈમેલ મોકલી એકાઉન્ટની ડિટેલ્સ માંગી છે. સાથે જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ડાર્ક વેબ સાથે પણ કનેક્શનની તપાસ ચાલી રહી છે.
મહાકુંભમાં મહાપાપ બાદ ટેલીગ્રામ ચેનલ્સ પર મહિલાઓના સ્નાન કરતાં... કપડાં બદલતા વીડિયો વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટેલીગ્રામ ચેનલ્સ પર વીડિયો અને ફોટાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ શરુ થયા બાદ એડમિને ચેનલ બંધ કરી દીધી છે. અલગ-અલગ નામથી બનેલી ટેલીગ્રામ ચેનલ્સ પર વીડિયો અને ફોટાના 500થી 2 હજાર રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસની તપાસમાં સામે આવી આ વાત
રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરુ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. મહાકુંભમાં આ નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું હતું. ધીમે ધીમે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે.
રોમાનિયા અને એટલાન્ટાના આઇપી એડ્રેસ મળી આવ્યા
રાજકોટની પાયલ મેટરનિટી હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર પોસ્ટ કરવાની સાથે ટેલીગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્ર પ્રકાશ નામની યુવકોની પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન, હાર્ડ ડિસ્ક અને અન્ય ગેઝેટ્સની તપાસ કરતાં પોલીસને 80થી વઘુ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.
જ્યારે દેશના અન્ય શહેરોના શોપિંગ મોલ, જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાંકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે. સાથે-સાથે પોલીસને રોમાનિયા અને એટલાન્ટાની આઇપી એડ્રેસ પણ મળી આવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ શરુ કરાઇ છે. આ સાથે અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસને મહત્ત્વની કડી મળી શકે છે.