VIDEO: ભાષણ રોકીને બેસી ગયા PM મોદી, જુઓ કોના પર ભડક્યાં સ્પીકર
Parliament News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે (2 જુલાઈ) લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. સંસદમાં પ્રવેશતા જ એનડીએના સાંસદોએ તેમનું મોદી-મોદીના નારા સાથે સ્વાગત કર્યું હતું. પરંતુ વડાપ્રધાનના ભાષણ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા વચ્ચે એક ક્ષણ એવી આવી હતી કે, વિપક્ષના હોબાળાથી ગુસ્સે થઇને વડાપ્રધાન પોતાનું ભાષણ રોકી બેસી ગયા હતા. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.
વિપક્ષ પર ભડક્યાં સ્પિકર ઓમ બિરલા
વડાપ્રધાન પોતાનું ભાષણ રોકી બેસી જતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભડક્યા હતાં. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિપક્ષી સાંસદોને હોબાળો કરવા ભડકાવી રહ્યા છે. તેમજ તેમણે કહ્યું કે, ‘આ કોઇ વિરોધની રીત નથી.’ વિપક્ષી સાંસદ વેલમાં આવીને નારેબાજી કરી રહ્યા છે. વિપક્ષી સાંસદો પર સ્પીકર ઓમ બિરલા ભડક્યા હતા. સ્પીકરે વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢી અને વિપક્ષના નેતાને કહ્યું કે તમને 90 મિનિટ બોલવાની તક આપી. તમે આટલી મોટી પાર્ટી લઇને ચાલી રહ્યા છો, આવું ન ચાલે. પાંચ વર્ષ આ રીતે નહી ચાલે. લોકસભા અધ્યક્ષના હસ્તક્ષેપ બાદ વડાપ્રધાને પોતાનું સંબોધન ફરી ચાલુ કર્યું હતું.
2014 ના પહેલા કૌભાંડોનો સમયગાળો હતોઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે 2014 ના તે દિવસોને યાદ કરીશું તો આપણને ખબર પડશે કે દેશના લોકોનો આત્મવિશ્વાસ ગુમ થઇ ગયો હતો. દેશ નિરાશાના સાગરમાં ડૂબી ગયો હતો. 2014 ના પહેલાં દેશે જે સૌથી મોટું નુકસાન વેઠ્યું હતું, અમાનત ગુમાવી હતી, તે હતો આત્મવિશ્વાસ. 2014ના પહેલાં આ જ શબ્દો સંભળાતા હતા- આ દેશનું કંઇ ન થઇ શકે... આ સાત શબ્દો ભારતીયોની નિરાશાની ઓળખ બની ગયા હતા. સમાચાર ખોલતા હતા તો કૌભાંડના સમાચાર જ વાંચવા મળતા હતા. રોજ નવા કૌભાંડ, કૌભાંડ જ કૌભાંડ. કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા, કૌભાંડી લોકોના કૌભાંડ... બેશરમી સાથે સ્વિકારવામાં આવતું હતું કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તો 15 પૈસા પહોંચે છે. ભાઇ-ભત્રીજાવાદ એટલો ફેલાયેલો હતો કે સામાન્ય યુવાન તો આશા છોડી ચૂક્યો હતો કે કોઇ ભલામણ કરનાર નથી તો જીંદગી આ જ રીતે ચાલશે.