'મને પેટમાં લાત મારી, હું બૂમો પાડતી રહી', સ્વાતિ માલીવાલની FIR, CM હાઉસનો વીડિયો પણ વાયરલ
Swati Maliwal Case: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી જોવા મળી રહી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે બિભવ પર ગુસ્સે થઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્વાતિ માલીવાલની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે.
બિભવેની મુશ્કેલીઓ વધી
સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવે પર ગંભીર આરોપી લગાવ્યા છે.સ્વાતિ માલીવાલે નોંધાવેલી એફઆઈઆર અનુસાર, બિભવે મને પેટમાં લાત મારી હતી, હું બૂમો પાડતી રહી. હું આ હુમલાથી આઘાતમાં હતી. મેં 112 નંબર પર ફોન કરીને ઘટનાની માહિતી આપી.'
આ મુદ્દે રાજકારણ ન રમવા સ્વાતિની ભાજપને વિનંતી
સ્વાતિ માલીવાલે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મારી સાથે જે થયું, તે ખૂબ જ ખરાબ થયું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને નિવેદન આપ્યું છે. મને આશા છે કે, યોગ્ય કાર્યવાહી થશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારા ચરિત્ર પર આંગળી ચિંધી અને એવું કહ્યું કે, બીજી પાર્ટીઓના ઈશારે કરી રહી છું, ભગવાન તેમને પણ ખુશ રાખે. દેશમાં મુખ્ય ચૂંટણી ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ જરૂરી નથી, દેશના મુદ્દા જરૂરી છે. ભાજપવાળાઓને ખાસ વિનંતી છે કે, તેઓ આ ઘટના પર રાજકારણ ન રમે.'
સ્વાતિ માલીવાલ સાથે શું થયું હતું?
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલીવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,'હું સ્વાતિ માલીવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે', ફોન કરનારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો.