સફારીની મજા માણી રહેલાં લોકો પર હાથીએ કર્યો હુમલો, જુઓ એ ઘટનાનો વીડિયો
નવી મુંબઇ,તા. 5 ફેબ્રુઆરી 2024, સોમવાર
સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. કર્ણાટક-કેરળ સરહદ પર સ્થિત બાંદીપુર જંગલના એક હાથીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક જંગલી હાથી બે લોકોનો પીછો કરી રહ્યો છે. આ દરમિયાન હાથી ત્યાંથી પસાર થતા વાહનો પર હુમલો કરે છે.
IFS અધિકારીએ શેર કર્યો વીડિયો
IFS ઓફિસર પરવીન કાસવાને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, આ વ્યક્તિ ખૂબ જ નસીબદાર હતો પરંતુ વન્યક્ષેત્રમાં આ જોખમ ક્યારેય ન લો. જો જંગલી પ્રાણીઓ આસપાસ હોય, તો તમારી કારમાંથી બિલકુલ બહાર ન નીકળો. આ વીડિયો કેરળનો છે.
શું છે વીડિયોમાં ?
આ વીડિયોમાં એક હાથી હુમલો કરવાના ઈરાદે રસ્તા પર બે લોકોની પાછળ દોડી રહ્યો છે. બંને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી દોડતા જોવા મળે છે. આમાંથી એક માણસ રસ્તા પર પડે છે. જ્યારે હાથી અચાનક પાછો ફરે છે ત્યારે હાથી તે વ્યક્તિને કચડી નાખશે તેવું લાગે છે પરંતુ સદનસીબે એવું કંઇ થતું નથી અને બંનેનો બચાવ થાય છે.
યુઝર્સે વીડિયો પર આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે, અમે આ રસ્તો ગયા અઠવાડિયે જ પાર કર્યો હતો. બધા હાથીઓ શાંત હતા. અહીં હાથી માટે ટ્રિગર શું હતું? અન્ય એક યુઝરે લખ્યું કે જ્યારે તમે તેમના ઘર પર કબજો કરવાનો પ્રયાસ કરો છો ત્યારે આવું થાય છે. પ્રાણીઓને એકલા છોડી દો. તો અન્ય એક યુઝરે લખ્યું કે, આશા છે કે, આ ગાડીને શોધીને ગુનેગારોને દંડ કરાય. એક યુઝરે બંનેની ધરપકડ કરીને એક વર્ષની જેલની સજા કરવાની પણ ભલામણ કરી હતી.