દર વખતે ગઠબંધન કામ કરે તે જરૂરી નથી, કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલે સુધારા ન કરે તો વિજય મુશ્કેલ
- ગઠબંધન કરી ભાજપને હરાવવાની બચાવ પ્રયુક્તિ દર વખતે કામ લાગે તેમ નથી, હરિયાણાની હાર બાદ કોંગ્રેસે આત્મમંથન ઉપર ભાર મૂકવો જોઇએ
હરિયાણામાં કોંગ્રેસ પોતાને નુકસાન કરી શકે એવા અપક્ષોને પણ રોકી ના શકી. તેનું કારણ એ કે, હરિયાણામાં કોંગ્રેસની કમાન ભૂપિન્દરસિંહ હુડ્ડાના હાથમાં હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૫-૫ બેઠકો મળી પછી કોંગ્રેસની જીતની હવા જામેલી હતી. હુડ્ડા હવામાં ઉડવા લાગેલા અને કુમારી શૈલજા અને રણદીપસિંહ સૂરજેવાલા જેવા કોંગ્રેસીઓને જ ગણકારતા નહોતા તો અપક્ષોને તો ક્યાંથી ગણતરીમાં લે ? હુડ્ડાને એમ જ હતું કે પોતાના રથને કોઈ રોકી શકે તેમ નથી તેથી તેમણે કોઈને ધ્યાનમાં જ ના લીધા ને તેનું પરિણામ સામે છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી અણધારી જીતના કારણે ભાજપમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કોંગ્રેસની છાવણીમાં માતમનો માહોલ છે. હરિયાણામાં નિશ્ચિત મનાતી જીત પોતાના હાથમાંથી કેમ ખૂંચવાઈ ગઈ એ જ કોંગ્રેસને સમજાતું નથી. કોંગ્રેસે ઈવીએમમાં થયેલી ગરબડનું બહાનું આગળ ધર્યું છે અને ભાજપે ઈવીએમ બદલી નાંખીને પરિણામ પલટી નાંખ્યું હોવાના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે પોતાની પાસે પુરાવા હોવાનો દાવો પણ કર્યો છે પણ કેન્દ્રીય ચૂંટણી પંચ કોંગ્રેસના આક્ષેપોને ગંભીરતાથી લે એ વાતમાં માલ નથી. કોંગ્રેસ દર વખતે ચૂંટણી ટાણે જોરશોરથી જાહેરાતો કરે છે અને જ્યારે પરિણામ આવે છે ત્યારે એ જાહેરાતોનું સુરસુરિયું થયેલું દેખાય છે. દર વખતે હાથમાં આવેલો જીતનો કોળિયો મોઢા સુધી આવતા પહેલાં ભાજપ છીનવી લે છે. દર વખતે કોંગ્રેસ પોતાના પરાજયનું ઠિકરું ઈવીએમના માથે ફોડે છે.
લોકસભાની ચૂંટણી વખતે મતદાન થયું હતું તેના કરતાં વધારે મતોન ગણતરી કરીને ભાજપને ફાયદો કરાવાયો હોવાના આક્ષેપ થયેલા. ચૂંટણી પંચે પોતે આપેલા મતદાનના સત્તાવાર આંકડા અને ગણતરી કરાયેલા મતોના આંકડાનો મેળ નહોતો બેસતો છતાં ચૂંટણી પંચે કશું નહોતું કર્યું. બલ્કે ખુલાસો કરવાની તસદી સુધ્ધાં નહોતી લીધી ત્યારે આ તો ઈવીએમ બદલી નંખાયાનો આક્ષેપ છે. ચૂંટણી પંચ આ આક્ષેપને સાચો માને તો તેની વ્યવસ્થામાં ગરબડ હોવાનો સ્વીકાર કર્યો કહેવાય એ જોતાં કોંગ્રેસ ગમે તે કહે, પંચ કશું કરે એ વાતમાં માલ નથી.
જો કે રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના સાથી પક્ષો જ ઈવીએમમાં ઘાલમેલના આક્ષેપો સાથે સહમત નથી. કોંગ્રેસની હાર પછી ઈન્ડિયા મોરચાના સાથી પક્ષો તૂટી પડયા છે પણ ભાજપ પર નહીં, કોંગ્રેસ પર. શિવસેનાથી માંડીને આમ આદમી પાર્ટી સુધીના બધા પક્ષોએ કોંગ્રેસના 'પુઅર મેનેજમેન્ટ' અને સાથી પક્ષોની અવગણનાને કોંગ્રેસની હાર માટે જવાબદાર ગણાવ્યાં છે. કોંગ્રેસનાં માર્ગારેટ આલ્વા સહિતનાં નેતા પણ આ ટીકામાં જોડાયાં છે.
આ ટીકાઓ પર નજર નાંખો તો કોંગ્રેસના સાથી પક્ષોએ લાગ જોઈને બરાબરનો હાથ સાફ કરી લીધો છે એ ખબર પડી જ જાય. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસને અહંકારી ગણાવીને કહ્યું છે કે, કોંગ્રેસે આ પ્રકારની ખરાબ હોનારતોથી બચવું હોય તો પ્રાદેશિક પક્ષોનો સાથ લેવો પડે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે, કોંગ્રેસની માનસિકતા એવી છે કે, જે રાજ્યોમાં આપણે જીતી શકીએ તેમ છીએ એ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને સાથે લઈને નહીં ચાલીએ પણ જ્યાં પોતાનો કોઈ પ્રભાવ નથી એવાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો પોતાને સમાવે એવી આશા રાખે છે. કોંગ્રેસે પોતાને સર્વોપરિ ગણવાની માનસિકતા છોડવી પડે.
રણનીતિ નહીં બદલાય તો પરિણામ પણ નહીં બદલાય
શિવસેનાનાં પ્રિયંકા ચતુર્વેદીએ તો કોંગ્રેસને પોતાની વ્યૂહરચના બદલવાની સલાહ આપીને કહ્યું છે કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ હોય ત્યાં કોંગ્રેસ હારે જ છે અને નબળી સાબિત થાય છે એ જોતાં કોંગ્રેસે પોતાની રણનીતિ અંગે વિચારવાની જરૂર છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસ અતિ આત્મવિશ્વાસમાં હોવાથી પોતાને ગણકાર્યા જ નહીં તેમાં હારી ગઈ એવો મત વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનાં માર્ગારેટ આલ્વા પણ આ કોરસમાં જોડાયાં છે. આલ્વાના કહેવા પ્રમાણે, કોંગ્રેસે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને નાથીને નેતાઓમાં સંતુલન સાધવાની જરૂર હતી. તેના બદલે કોંગ્રેસે એવું વલણ લીધું કે જેના કારણે મતદારોના ઘણા વર્ગ નારાજ થઈ ગયા. કોંગ્રેસ જ્યાં સુધી રણનીતિમાં સુધારો નહીં કરે ત્યાં સુધી પરિણામમાં પણ કોઈ સુધારો થવાનો નથી. કોંગ્રેસના સાથી પક્ષોએ બીજા પણ ઘણા બળાપા કાઢયા છે ને એ બધાની વાત માંડી શકાય તેમ નથી પણ સાથી પક્ષની વાત સાવ કાઢી નાંખવા જેવી નથી જ. કોંગ્રેસે સાથી પક્ષોને અવગણ્યા એ વાસ્તવિકતા છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર હતી પણ કોંગ્રેસે અહંકારમાં ને અહંકારમાં તેને ભાવ ના આપ્યો. આપ ૯૦ બેઠકોમાંથી ૧૦ બેઠકો માગતી હતી જ્યારે કોંગ્રેસ ૭ બેઠકોથી વધારે આપવા તૈયાર નહોતી.
જુથવાદ પણ કોંગ્રેસને મોટું નુકસાન કરી ગયો
જુથવાદ કોંગ્રેસને મોટું નુકસાન કરી ગયો હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસ પોતાને નુકસાન કરી શકે એવા અપક્ષોને પણ રોકી ના શકી. તેનું કારણ એ કે, હરિયાણામાં કોંગ્રેસની કમાન ભૂપિન્દરસિંહ હુડ્ડાના હાથમાં હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૫-૫ બેઠકો મળી પછી કોંગ્રેસની જીતની હવા જામેલી હતી. હુડ્ડા હવામાં ઉડવા લાગેલા ને કુમારી શૈલજા અને રણદીપસિંહ સૂરજેવાલા જેવા કોંગ્રેસીઓને જ ગણકારતા નહોતા તો અપક્ષોને તો ક્યાંથી ગણતરીમાં લે ? હુડ્ડાને એમ જ હતું કે પોતાના રથને કોઈ રોકી શકે તેમ નથી તેથી તેમણે કોઈને ધ્યાનમાં જ ના લીધા ને તેનું પરિણામ સામે છે. દરેક પક્ષમાં જુથવાદ હોય જ છે પણ આલાકમાન દ્વારા લાલ આંખ કરવામાં આવે ત્યારે તમામ સ્તરે એકતા સધાઈ જાય છે. ભાજપમાં પણ ભારોભાર જુથવાદ છે પણ ચૂંટણી ટાણે તે સપાટી ઉપર આવતો નથી. કોંગ્રેસમાં ઢાંકી શકાતો નથી. તેના કારણે જ પ્રજા પણ કોંગ્રેસનો સાથ છોડી દે છે. સાથી પક્ષોએ કોંગ્રેસને તેની નબળાઈઓ બતાવી પણ કોંગ્રેસ પર તેની અસર થાય એવી શક્યતા ઓછી છે. ભૂતકાળમાં સાથી પક્ષોને નહીં ગણકારવાના અહંકારમાં કોંગ્રેસે ઘણી ચૂંટણીમાં હારી છે. ઘણાં રાજ્યોમાં નામશેષ થઈ ગઈ છે છતાં તેના વલણમાં કોઈ ફરક પડતો નથી તો એક રાજ્યમાં હારથી કોંગ્રેસ બદલાઈ જાય એવી આશા રાખવા જેવી નથી.
આપ સાથે ઓરમાયું વર્તન પણ કોંગ્રેસને નડયું છે
કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે સમયાંતરે ઓરમાયું વર્તન જ કરવામાં આવ્યું છે. તેના કારણે પણ કોંગ્રેસે ચૂંટણી પરિણામોમાં જોઈએ એવો સુધારો મળતો નથી અને આપ દ્વારા કોંગ્રેસના જ મત તોડવામાં આવે છે તેવી હવા ઊભી થાય છે. આમ આદમી પાર્ટીની માગ ગેરવ્યાજબી પણ નહોતી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ હતું ત્યારે ૧૦ બેઠકોમાંથી ૯ પર કોંગ્રેસ અને ૧ પર આપ લડી હતી. એક લોકસભા બેઠકના મતવિસ્તારમાં ૯ બેઠકો હોય છે એ જોતાં આપ લોકસભાની ચૂંટણીની ફોર્મ્યુલા પ્રમાણે ૧ બેઠક વધારે માગતી હતી. કોંગ્રેસે ૧ બેઠક વધારે આપી દીધી હોત તો કશું ખાટુંમોળું થવાનું નહોતું પણ કોંગ્રેસ એવી મોટાઈ ના બતાવી શકી. આમ આદમી પાર્ટી લગભગ બે ટકા મત લઈ ગઈ છે અને ૬ બેઠકો પર કોંગ્રેસની હારનું કારણ બની છે. જાગધ્રી, કરનાલ, થાનેસર, પંચકુલા, રેવાડી અને રોહતક બેઠકો પર આપ ત્રીજા નંબરે આવી છે. કોંગ્રેસે માયાવતીના કટ્ટર વિરોધી એવા ચંદ્રશેખર આઝાદને પણ પોતાની સાથે રાખવાની જરૂર હતી. આઝાદ કોંગ્રેસને દલિત મતોમાં વિભાજન રોકવામાં મદદરૂપ સાબિત થયા હોત.
હરિયાણામાં ભાજપે અપક્ષો પાછળ 500 કરોડનું આંધણ કર્યું
હરિયાણામાં ભાજપે હારેલી બાજીને જીતવા માટે અપક્ષો પાછળ જ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે. હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકો પર કુલ ૪૫૦ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી ૧૫૦ અપક્ષ ઉમેદવારો એવા હતા કે જે કોંગ્રેસના પાંચ હજાર કરતાં વધારે મતો તોડી શકે. આ ઉમેદવારોને ભાજપે ભરપૂર મદદ કરી. આ દરેક ઉમેદવારને ભાજપે ત્રણ-ત્રણ કરોડ રૂપિયાની મદદ કરી હોવાનું કહેવાય છે. જ્યારે બીજા ઘણા નાના અપક્ષ ઉમેદવારોને પણ ભાજપે મદદ કરી હોવાનું કહેવાય છે. ભાજપને આ નીતિ ફળી પણ છે કેમ કે લગભગ વીસેક બેઠકો એવી છે કે જેના પર અપક્ષ ઉમેદવારોએ કોંગ્રેસના મતોમાં ગાબડાં પાડીને ભાજપને ફાયદો કરાવ્યો છે. ઘણા અપક્ષ ઉમેદવારો તો ચાલીસ-પચાસ હજાર મતો મેળવીને બીજા નંબરે રહ્યા છે અને કોંગ્રેસને ત્રીજા નંબરે ધકેલી દીધી છે. તેના પરથી જ ભાજપે અપક્ષ ઉમેદવારોની પસંદગી કરવામાં પણ કેવું માઈક્રો મેનેજમેન્ટ કર્યું છે એ સ્પષ્ટ થાય છે. ભાજપની બી ટીમ જેવા ઈન્ડિયન લોકદળ, બસપા સહિતના પક્ષોએ પણ એવા ઉમેદવારો પસંદ કર્યા કે જેમણે ભાજપને ફાયદો કરાવ્યો છે. કોંગ્રેસની જાટ અને દલિત મતબેંકમાં ગાબડાં પાડીને તેમણે ભાજપને થતું નુકસાન સરભર કરી આપ્યું.