પીડિતાના ઉતાવળમાં અગ્નિસંસ્કાર થયા: કોલકાતા રેપ-હત્યા કેસમાં સીબીઆઇ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
પીડિતાના ઉતાવળમાં અગ્નિસંસ્કાર થયા: કોલકાતા રેપ-હત્યા કેસમાં સીબીઆઇ 1 - image


મમતા-ડોક્ટરો વચ્ચે બેઠકનો અંત, એક માગણી સ્વીકારાઇ

પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો : સીબીઆઇનો ખુલાસો

કોલકાતા: કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદથી જ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો ધરણા કરી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા આ ડોક્ટરો મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ડોક્ટરોએ જે પણ માગણી મુકી હતી તેમાંથી એક માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. 

કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ પર ડોક્ટરો અને મમતા બેનરજી વચ્ચે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. બાદમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે હોસ્પિટલોના માળખાકીય સુધારાની એક માગણીનો મમતાએ સ્વીકાર કર્યો હતો. દરમિયાન મમતાએ એક મહિનાથી વધુ સમયથી ધરણા કરી રહેલા ડોક્ટરોને કામ પર પરત ફરવા અપીલ કરી હતી. તેમણે ડોક્ટરોને કહ્યું હતું કે હડતાળને કારણે દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે, સુપ્રીમે ડોક્ટરોને ગત મંગળવારે જ ધરણા સમેટી લેવા કહ્યું હતું પરંતુ ડોક્ટરોએ આદેશનો સ્વીકાર કરવાની ના પાડી ધરણા શરૂ રાખ્યા હતા. 

દરમિયાન કોલકાતાના આરજી કર હોસ્પિટલની રેપ-હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ ગંભીર આરોપ લગાવ્યા છે, સીબીઆઇએ દાવો કર્યો છે કે ઉતાવળમાં જ પીડિતાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, એટલુ જ નહીં કોલકાતાના પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઇએ મંડલની શનિવારે ધરપકડ કરી હતી. જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે.

 સીબીઆઇનો દાવો છે કે ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ કરવામાં નથી આવી. જ્યારે હોસ્પિટલના ડોક્ટરોએ પણ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. સંદીપ ઘોષ સામે હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિની તપાસ ચાલી 

રહી છે.


Google NewsGoogle News