Get The App

ગરીબોના લાભ માટે સધ્ધર લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઇએ : સુપ્રીમ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
ગરીબોના લાભ માટે સધ્ધર લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઇએ : સુપ્રીમ 1 - image


- અમે માત્ર મત વ્યક્ત કર્યો, અનામતમાંથી બહાર કાઢવાનું કામ સંસદનું 

- લોકોને કુવામાંથી પાણી નથી લેવા દેવાતું, તેમની સાથે આભડછેટ રાખી ભેદભાવ થાય છે માટે અનામત જરૂરી : પંજાબ સરકાર

- આઇએએસ, આઇપીએસના સંતાનોએ ગામમાં રહેતા અન્ય બાળકો જેવી મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો : ન્યાયાધીશ ગવઇ

નવી દિલ્હી : અનામતના એક મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે પણ લોકોએ અનામતનો લાભ લઇ લીધો હોય તેઓએ હવે અન્ય અતી પછાત લોકો માટે જગ્યા કરવી જોઇએ અને પોતે સધ્ધર થઇ ગયા હોય તો અનામતમાંથી બહાર નિકળી જવું જોઇએ. પંજાબના એક કેસમાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે જે લોકો અનામતનો લાભ લઇને સમૃદ્ધ થઇ ગયા છે અને આર્થિક રીતે આગળ આવી ગયા છે તેઓને અનામતમાંથી બહાર કેમ ના કરી શકાય? 

સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ બી. આર. ગવઇ, વિક્રમ નાથ, બેલા એમ. ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતિષ ચંદ્ર શર્માની બેંચમાંથી ન્યાયાધીશ વિક્રમ નાથે સુનાવણી દરમિયાન સવાલ કર્યો હતો કે બેકવર્ડ ક્લાસમાં જેમને અનામતનો લાભ મળ્યો હોય અને તેઓ સમૃત થઇ ગયા હોય તેમને હવે જનરલ કેટેગરીમાં સામેલ કેમ ના કરી શકાય? તેઓએ સામે ચાલીને જનરલ કેટેગરીને અપનાવી લેવી જોઇએ? તેઓ કેમ હજુસુધી અનામતમાં સામેલ છે? જો તેઓ અનામતમાંથી બહાર નિકળી જાય તો જે લોકો અત્યંત પછાત અને ગરીબ છે તેમને વધુ લાભ મળવા લાગશે. 

અન્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ પણ કહ્યું હતું કે કોઇ વ્યક્તિ અનામતનો લાભ લઇને આઇપીએસ, આઇએએસ બની જાય છે તે બાદ તેમના સંતાનોએ અન્ય ગામડામાં રહેતા ગરીબોના સંતાનોને જે મુશ્કેલી પડે છે તેવી મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. તેમ છતા આવા અધિકારીઓના પરિવારજનોને અનામતનો લાભ મળતો રહે છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો અનામત કેટેગરીમાં હોય અને સંપન્ન જીવન જીવી રહ્યા હોય તેવા લોકોને અનામતમાંથી બહાર રાખવા કે નહીં તે નિર્ણય સંસદે લેવાનો રહે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ હાલ પંજાબના એસસી, ઓબીસી અનામત (સર્વિસ) ૨૦૦૬ના કાયદા અંગે સુનાવણી કરી રહી છે.

સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે બાદમાં કહ્યું હતું કે પછાત જાતિઓ માટે બેઠકો અનામત રાખવા માટે સધ્ધર જાતિને બહાર કરાઇ હતી જોકે તે માત્ર બંધારણની અનુમતીથી થયું હતું કેમ કે રાષ્ટ્ર ઔપચારિક સમાનતા નહીં પણ વાસ્તવિક સમાનતામાં વિશ્વાસ રાખે છે. સુપ્રીમ કોર્ટ એ ચકાસણી કરી રહી છે કે શું રાજ્ય અનુસૂચિત જાતિઓ (એસસી)ની કેટેગરીમાં ઉપ-જાતિઓની ઓળખ કરી શકે કે જેઓ અનામતને વધુ લાયક હોય. પંજાબમાં એવો કાયદો છે કે જ્યાં રાજ્ય સરકાર અનામતમાં પણ અતિ પછાત લોકોને અનામત આપે છે. આ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. જેની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે.

પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર એસસી યાદીમાં ઉપ-જાતિની ઓળખ કરીને તેને સશક્ત બનાવવા માટે વધુ અનામત આપી શકે છે કેમ કે તેઓ અતી પછાત વર્ગમાં આવે છે. પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદરસિંહે તર્ક કરતા કહ્યું હતું કે જો સમુદાયને સામાન્ય અને ઓબીસી કેટેગરીમાં વિભાજીત કરી શકાતા હોય તો આવુ પછાત સમુદાયમાં પણ કરી શકાય. જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓમાં ઉપ વર્ગીકરણની અનુમતી હોય તો આવુ અનુસૂચિત જાતિઓ માટે પણ કેમ ના થઇ શકે. સુનાવણી દરમિયાન અનામતનો બચાવ કરતા પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદરસિંહે આક્રામક તર્ક આપતા કહ્યું હતું કે કોઇ ઇસ્પેક્ટર બની જાય તો તેના પુત્રને સારી સ્કૂલમાં શિક્ષણ મળશે પણ તે જે જાતિમાંથી આવે છે તે જ જાતિના લોકોને ગામડામાં આજે પણ કુવામાંથી પાણી લેવા નથી દેવાતું, તેઓની સાથે આજે પણ ભેદભાવ થઇ રહ્યો છે. એવા લોકો માટે અનામત જરૂરી છે.      

પંજાબમાં અનામતમાં પણ અનામતની જોગવાઇનો વિવાદ સુપ્રીમમાં પહોંચ્યો

પંજાબના એસસી, બેકવર્ડ ક્લાસ (સર્વિસમાં અનામત) કાયદા ૨૦૦૬ના સેક્શન ૪(૫)માં એવી જોગવાઇ છે કે રાજ્ય સરકાર અનામતમાં પણ પેટા અનામત આપી શકે છે. જેને પગલે રાજ્યમાં વાલ્મીકી અને મજહબી શીખ સમુદાયને અનામતમાં પ્રાથમિકતા અપાઇ છે અને તેમને એસસી વર્ગની અનામતમાં અડધી અનામત આપવામાં આવે છે. 

વર્ષ ૨૦૧૦માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ વિશેષ જોગવાઇને હટાવી દીધી હતી. અને ઇવી ચિન્નઇ કેસનો હવાલો આપતા કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ ૩૪૧ મુજબ એસસી તરીકે કોને ગણવા તે નિર્ણય લેવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. 

પંજાબ સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારાયો હતો અને એવી દલિલ કરાઇ હતી કે અનામતમાં પણ અનામત એટલા માટે આપવામાં આવી છે કે જેથી સૌથી પાછળ રહી ગયેલા લોકોને પણ સમાનતાનો અધિકાર મળે. આ કાયદો સમાનતાના અધિકારનો ભંગ નથી કરતો પણ સમાનતા આપે છે.  


Google NewsGoogle News