જેલમાંથી છૂટ્યાં બાદ ફરી મુખ્યમંત્રી બનવાની તૈયારીમાં દિગ્ગજ નેતા, ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
Jharkhand CM: હેમંત સોરેન ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રિય જનતા દળ (RJD)ના ધારાસભ્ય દળોની મળેલી બેઠકમાં હેમંત સોરેનને ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.
કથિત જમીન કૌભાંડ કેસમાં સોરેનની ધરપકડ બાદ ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે હેમંત સોરેનને જામીન પર છોડવામાં આવ્યાં હોવાથી ચંપાઈ સોરેન રાજીનામું આપશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ચંપાઈને ઝારખંડ મુક્તિ મોર્ચાના(JMM) કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે.
કથિત જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનને હાઈકોર્ટ માંથી જામીન મળ્યાં બાદ 28 જૂનના રોજ જેલમાંથી છોડવામાં આવ્યાં હતાં. જોકે, હેમંત સોરેનની ધરપકડ પછી તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ તેમના નજીકના સહયોગી અને મંત્રી ચંપાઈ સોરેનને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં 2 ફેબ્રુઆરીના દિવસે રાજ્યના 12માં મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને શપથ લીધા હતા.
મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના મહત્વપૂર્ણ કાર્યો અચાનક રદ કરાયાં
હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં પછી સોરેન ફરી ખુરશી સંભાળી શકશે કે નહીં તેવી અટકળો જોવા મળી છે. 1500 પસંદ કરેલા શિક્ષકોની નિયુક્તિના પત્ર વિતરિત કરવા સહિતના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના મહત્વપૂર્ણ કાર્યો અચાનક રદ કરવામાં આવતાં કોઈ મોટો નિર્ણય લેવાશે તેવી અટકળો ફેલાઈ હતી. આ ઉપરાંત, મંગળવારના રોજ યોજાવા જઈ રહેલા મુખ્યમંત્રીના સાર્વજનિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં હતાં.
હેમંત સોરેન ભાજપ પર આક્રમક સાબિત થશે
રાજ્યમાં જ્યારે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન દ્વારા સારુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેલમાંથી બહાર આવ્યાં પછી હેમંત સોરેન ભાજપ પર આક્રમક સાબિત થઈ શકે છે. તેવામાં સોરેન 'પીડિત કાર્ડ' રમત રમીને આગામી ચૂંટણીમાં ભાજપને હાર અપાવવાની કોશિશ કરશે.