રાજસ્થાનના ચર્ચિત રુપ કંવર સતી કાંડમાં 37 વર્ષ બાદ આવ્યો ચુકાદો, તમામ 8 આરોપીને કરાયા મુક્ત
Image Source: Freepik and Twitter
Roop Kanwar Sati Kand: દેશના બહુચર્ચિત રુપ કંવર સતી કાંડમાં આજે 37 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. આ કેસના તમામ 8 આરોપીઓને કોર્ટે મુક્ત કરી દીધા છે. લગભગ 37 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ જયપુરની સતી પ્રથા નિવારણ માટેની વિશેષ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના આઠ આરોપીઓ શ્રવણ સિંહ, મહેન્દ્ર સિંહ, નિહાલ સિંહ, જિતેન્દ્ર સિંહ, ઉદય સિંહ, નારાયણ સિંહ, ભંવર સિંહ અને દશરથ સિંહ છે.
લગ્નના 7 મહિનામાં જ પતિનું નિધન
રાજસ્થાનના જયપુરની નિવાસી 18 વર્ષીય રુપ કંવરના લગ્ન સીકર જિલ્લાના દિવરાલામાં માલ સિંહ શેખાવત સાથે થયા હતા. લગ્નના 7 મહિનામાં જ બીમારીના કારણે માલ સિંહનું નિધન થઈ ગયુ. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે રુપ કંવરે તેના પતિની ચિતા પર સતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે 4 સપ્ટેમ્બર 1987ના રોજ સતી થઈ ગઈ હતી. ત્યારબાદ ગામના લોકોએ તેને સતી માનું રૂપ આપી દીધુ અને મંદિર પણ બનાવી દીધું. ત્યાં મોટો ચુનરી મહોત્સવ પણ કરવામાં આવ્યો.
પીડિતાને સતી થવા માટે મજબૂર કરવામાં આવી
આ પછી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો. તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રુપ કંવર પોતાની ઈચ્છાથી સતી નહોતી થઈ. તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી હરદેવ જોશી હતા. તેમણે હાઈકોર્ટમાં 39 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે બધા પર આરોપ હતો કે, તેમણે દિવરાલા ગામમાં એકઠા થઈને સતી પ્રથાનું મહિમામંડન કર્યું હતું. ત્યારબાદ પીડિતાને સતી થવા માટે મજબૂર કરવામાં આવી હતી. પહેલા રાજસ્થાનમાં સતી પ્રથાની પરંપરા હતી.
આ સમગ્ર મામલો દિવરાલા સતી રુપ કંવર કાંડના નામથી પણ ઓળખાય છે. રાજસ્થાનના સીકર જિલ્લાની નજીક સ્થિત આ ગામ જયપુરથી લગભગ 3 કલાકના અંતર પર છે. અહીં રુપ કંવરના સસરા સુમેર સિંહ શિક્ષક હતા. તેનો પતિ માલસિંહ બી.એસ.સી.નો અભ્યાસ કરતો હતો. રુપના પિતા જયપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં ટ્રક ડ્રાઈવર હતા. જ્યારે આ ઘટના બની ત્યારે રુપ કંવર પોતાના પિયર હતી.
રુપનો પતિ ગંભીર રીતે બીમાર પડ્યો. પતિની બીમારીની સૂચના મળતા જ તે પોતાના પિતા અને ભાઈ સાથે હોસ્પિટલ પહોંચી. ત્યાંથી પિતા અને ભાઈ તો જતા રહ્યા પરંતુ બે દિવસ બાદ સવારે 8:00 વાગ્યે માલ સિંહનું મૃત્યુ થઈ ગયું. પરિવારજનો મૃતદેહને દિવરાલા લઈ ગયા. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે રુપ કંવર સતી થવા ઈચ્છે છે. તેના સતી થવાનું મહિમામંડન થવા લાગ્યું. તેના હાથમાં એક નાળિયેર આપી સોળ શ્રૃંગાર કરી પતિની ચિતામાં ઝંપલાવી દીધું.
રુપ કંવરને સળગાવતી વખતે ત્યાં હાજર રહેલા તેજ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, રુપે 15 મિનિટ સુધી પોતાના પતિની ચિતાની પરિક્રમા કરી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, જલ્દી કર નહીંતર પોલીસ આવી જશે. તેના પર તેણે કહ્યું કે, ચિંતા ન કરો. ત્યારબાદ તે ચિતા પર ચઢી ગઈ અને પતિનું માથુ ખોળામાં રાખી દીધું. માલ સિંહના નાના ભાઈએ દિવાસળી સળગાવી પણ આગ ન લાગી. તેણે કહ્યું કે આગ તેની જાતે જ સળગી ગઈ હતી.
રુપના સસરાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો
લોકોએ ચિતામાં ખૂબ ઘી રેડ્યું. તે સળગતી ચિતા પરથી નીચે પડી ગઈ પણ પતિનો પગ પકડીને ફરી ચિતા પર ચઢી ગઈ. તેના પરિવારજનોને પણ પુત્રી સળગી ગયા બાદ આ બાબતની જાણ થઈ હતી. ચિતાના સ્થાન પર તેમના નામ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે સમગ્ર ગામ વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં રુપના સસરાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.