વસુંધરા રાજેએ 1 વર્ષ માટે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ માગ્યું? પાર્ટીની ઓફર નકારી, નડ્ડાને કર્યો કૉલ
અઠવાડિયું વીતી જવા છતાં હજુ સીએમના ચહેરાની પસંદગી થઈ હતી
પાર્ટીએ વસુંધરાને સ્પીકર બનાવવાની ઓફર કરી હોવાની ચર્ચા
Rajasthan Chief Minister: ભાજપના કદાવર નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ સમક્ષ અનોખી માગ કરી હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમણે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને તેમને એક વર્ષ માટે રાજસ્થાનના સીએમ બનાવવાની માગ કરી છે. તેના પછી તેઓ જાતે જ આ પદ છોડી દેશે.
પાર્ટીએ શું ઓફર કરી હતી?
જોકે સૂત્રોનું એવું પણ કહેવું છે કે પાર્ટીએ તેમને સ્પીકર બનાવવાની ઓફર કરી હતી. જે તેમણે નકારી કાઢી હતી. હવે વસુંધરા રાજેએ સીધો જ ભાજપ અધ્યક્ષ નડ્ડાને કૉલ કર્યો હતો. આ સાથે તેમણે નડ્ડાને ધારાસભ્યો સાથે અલગથી મુલાકાત ન કરવાની પણ સલાહ આપી છે. નડ્ડા સાથે તેમણે રવિવારે રાતે ફોન કોલ પર વાત કર્યાની માહિતી મળી રહી છે. ત્યારે નડ્ડાએ તેમને સ્પીકર બનાવવાની ઓફર કરી હતી જે વસુંધરાને નકારી કાઢી હતી.
બહુમત છતાં હજુ સરકાર કેમ રચાઈ નથી?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી બહુમતનો આંકડો પાર કરી લીધો હતો. જોકે એક સપ્તાહ વીતી જવાં છતાં હજુ રાજ્યમાં સીએમની પસંદગી થઈ શકી નથી. તેના પર અશોક ગેહલોતે પણ ભાજપને ઘેર્યો હતો. ભાજપને ડર છે કે સીએમના ચહેરાની પસંદગી સાથે પાર્ટીમાં આંતરિક મતભેદો સર્જાઈ શકે છે. હવે મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના ચહેરાની પસંદગી થશે તેવા સંકેત મળી રહ્યા છે.