રાજસ્થાનમાં CM પદ પર સસ્પેન્સ વચ્ચે વસુંધરા રાજે પહોંચ્યા દિલ્હી, ચર્ચાનો દોર શરૂ, હાઇકમાનને મળશે!
વસુંધરાને ફરી વખત સીએમ બનાવવાની ચર્ચા શરૂ
ઘણાં નેતાઓ સીએમ પદની રેસમાં આગળ
Rajasthan CM News | રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપ મુખ્યમંત્રીની પસંદગી માટે મેરેથોન બેઠકો કરી રહ્યો છે. ભાજપનું ટોચનું નેતૃત્વ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ કોને આપશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત્ છે. આ દરમિયાન પૂર્વ સીએમ અને પાર્ટીના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે રાજધાની દિલ્હી પહોંચી જતાં ફરી રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઇ ગઈ છે કે શું તેમને ફરીવાર સીએમ બનાવાશે? શક્ય છે કે તે આજે પાર્ટી હાઈકમાનને મળશે.
મીડિયા સાથે કરી વાતચીત
દિલ્હી પહોંચ્યા બાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા વસુંધરા રાજેએ કહ્યું કે હું મારી વહુને મળવા આવી છું. રાજસ્થાનમાં રાજ્યની 199 બેઠકોમાંથી 115 બેઠકો જીતીને બહુમતી મેળવનાર ભાજપ હજુ સુધી રાજસ્થાનમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરી શક્યો નથી.
આ નેતા સીએમની રેસમાં સૌથી આગળ
રાજ્યના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વસુંધરા રાજે, વિદ્યાધર નગરથી ધારાસભ્ય દિયા કુમારી, તિજારાથી ધારાસભ્ય બનેલા મહંત બાલક નાથ અને જોતવાડાથી જીતેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડને સીએમ પદના મુખ્ય દાવેદાર મનાઈ રહ્યા છે.