'હવે ચૂંટણી નહીં લડું...' ભાજપે લોકસભામાં પત્તું કાપ્યા બાદ ગાંધી પરિવારના સભ્યની મોટી જાહેરાત!
Lok Sabha Elections 2024: છેલ્લાં કેટલાક સમયથી વરુણ ગાંધીને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી આખરે તેના પર હવે પૂર્ણ વિરામ મૂકાતો દેખાઈ રહ્યો છે. એવી ચર્ચા છે કે વરુણ ગાંધીએ જાહેરાત કરી દીધી છે કે તેઓ લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ બેઠક પરથી ઉમેદવારી કરવાના નથી. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપી નાખી હતી. બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી. હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું. એવો દાવો વરુણ ગાંધીની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.
રંજન ચૌધરીએ કોંગ્રેસમાં જોડવાનું આમંત્રણ આપ્યું હતું
અગાઉ ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં ભૂપેન્દ્ર સિંહે કહ્યું, 'વરુણ ગાંધી ભાજપના સાચા સૈનિક છે. તેઓ ભાજપમાં જ રહેશે તેવો પૂરો વિશ્વાસ છે. તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે અને ભાજપે તેમને ત્રણ વખત સાંસદ બનાવ્યા છે. અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે વરુણનો સંબંધ ગાંધી પરિવાર સાથે છે, જેને કારણે ભાજપે તેમની ટિકિટ રદ કરી છે.