વારાણસી લોકસભા બેઠક પર જ ભાજપને ઝટકો, PM મોદીની જીતનું માર્જિન ઘટ્યું
Varanasi Lok Sabha Election Result 2024 : વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDAને ભારે પડકારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં દેશની હોટ સીટ કહેવાતી વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉભેલા કોંગ્રેસના અજય રાયે પણ જોરદાર ટક્કર આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બેઠક પરથી દોઢ લાખ મતોના માર્જિનથી વિજયી થયા છે. પરંતુ આ જીતનું માર્જિન ગત ચૂંટણી કરતાં ઘટી છે.
કોને કેટલા મત મળ્યા:
નરેન્દ્ર મોદી : 612970
અજય રાય : 460457
અતહર જમાલ લારી : 33766
વડાપ્રધાન મોદી 2019માં 4.80 લાખ મતોના અંતરથી જીત્યા હતા
વર્ષ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ 6,74,664 મતો મેળવ્યા હતા. તેમની સામે ઉભેલા સમાજવાદી પાર્ટીની ઉમેદવાર શાલિની યાદવને બે લાખ મતો અને કોંગ્રેસના અજય રાયને લગભગ દોઢ લાખ મતો મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4.80 લાખ મતોના અંતરથી જીત્યા હતા.
વારાણસી બેઠક પર કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રનો મુકાબલો કરવા કોંગ્રેસના અજય રાય અને બસપાના અતર જમાલ લારી ઉભા છે. આ ઉપરાંત અપના દળ(કે)ના ગગન પ્રકાશ યાદવ અને યુગ તુલસી પાર્ટીના કોલીશેટ્ટી શિવ કુમાર પણ વારાણસીના મેદાનમાં છે. બે અપક્ષ ઉમેદવાર દિનેશ યાદવ અને સંજય કુમાર તિવારી પણ વડાપ્રધાન વિરુદ્ધ ઉભા છે.
ભાજપના દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં કર્યો હતો પ્રચાર
વારાણસીની ચૂંટણીમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આ હોટ લોકસભા બેઠક માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ વારંવાર શહેરની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વારાણસીની સતત મુલાકાતે આવતા હતા. મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વારાણસીમાં મોરચો સંભાળ્યો હતો.
2019માં વડાપ્રધાનને મળ્યા હતા 60 ટકા મત
2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગભગ 63.62 ટકા મત મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીને 18 ટકા અને કોંગ્રેસને 14 ટકા મત મળ્યા હતા.
2014માં મોદીએ કેજરીવાલને હરાવ્યા હતા
આ પહેલાની વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ મોટા અંતરથી જીત મેળવી હતી. તે વખતે નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 3.72 લાખ મતોથી હરાવ્યા હતા.