ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બે મકાન ધરાશાયી, અનેક લોકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Houses Collapsed In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા છે. જેમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ઘણાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં 70 વર્ષ જૂના બે મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘણા લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે, જેને કબીરચૌરા સ્થિત ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશ્વનાથ મંદિરમાં ફરજ પર તહેનાત એક મહિલા પોલીસ કર્મચારીને પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંસક દેખાવ પાછળ BNPનો હાથ, અવામી લીગનો મુખ્ય વિપક્ષી રાજકીય પાર્ટી પર આરોપ
આ ઘટનાને પગલે મંદિર તરફ જતો ગેટ નંબર 4 બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ગેટ નંબર 1 અને 2થી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષાના કારણોસર, ઘટના સ્થળે અધિકારીઓએ મીડિયા કર્મીઓને પ્રવેશતા પણ અટકાવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. સવારે 4 વાગ્યાની આસપાસ આ મકાનો ધરાશાયી થયા હતા. આ વિસ્તાર યલો ઝોનમાં આવે છે. આ મકાનો પહેલાથી જ જર્જરિત હાલતમાં હતા. છતાં આ મકાનોમાં લોકો રહેતા હતા.