VIDEO : દેવ દિવાળી પર 22 લાખ દીવડાઓથી જગમગી ઉઠી કાશી, આખા શહેરમાં સ્વર્ગ જેવો નજારો
વારાણસીમાં આજે સ્વર્ગ જેવો નજારો જોવા મળી રહ્યો છે. દેવતાઓની દિવાળી એટલે દેવ દિવાળીને લઈને કાશીના તમામ ઘાટ જગમગી ઉઠ્યા. ગંગાના કિનારા પર 85 ઘાટો પર 12 લાખ અને જન ભાગીદારીથી અંદાજિત 21 લાખથી વધુ દીવડાથી કાશીના ઘાટો, કુંડો, તળાવો અને સરોવરો જગમગી ઉઠ્યા.
દેવ દિવાળીના મહોત્સવ પર હજારો દીવડાથી સજાવાયેલા ઘાટ પર આરાધનાની સાથે આતશબાજીનું આયોજન કરાયું. આ પાવન અવસર પર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત જાણિતા સિંગર દ્વારા ગીત, ગઝલ, ભજન, પારંપરિક ગીત પ્રસ્તુત કર્યું. સાથે ભક્તિ અને પ્રાદેશિક ગીતો પર આધારિત સામૂહિક નૃત્ય અને નૃત્યનાટિકાનું આયોજન કરાયું.
યોગી આદિત્યનાથે કાશીની દેવ દિવાળીનું કર્યું ઉદ્ધાટન
દેવ દિવાળીને લઈને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નમો ઘાટ પર દીપક પ્રગડાવીને વિશ્વ વિખ્યાત કાશીની દેવ દિવાળીનું ઉદ્ધાટન કર્યું.
દેવ દિવાળી પર જગમગી ઉઠ્યા ઘાટ
દેવ દિવાળી પર ઘાટ પર દીવડા અલૌકિક અનુભૂતિ કરાવતા જોવા મળ્યા છે. જેને લઈનો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. શૂલટંકેશ્વર ઘાટ પર બીના પબ્લિક સ્કૂલ લાઠીયાના વિદ્યાર્થીઓએ દીપદાન કર્યું. દીપદાન બાદ મા ગંગાની ભવ્ય આરતી કરી. પ્રાચીન શિવ ધામ મંદિર દરેખૂ બાણાસુર મંદિર નરઉર, મોહનસરાય તળાવ, ભગવતી માતા મંદિર પર લોકોએ દીપદાન કર્યું. ત્યારે દેવ દિવાળી પર લોકોએ પોતાના ઘર અને મંદિરોમાં દીવડા પ્રગટાવ્યા અને આકર્ષણ જમાવ્યું. કાશી જાણે તારાથી જગમગી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
70 દેશોના રાજદૂતો પહોંચ્યા કાશી
વારાણસીમાં અર્ધચંદ્રાકાર ઘાટો પર સજાવાતી દીપમાળાના સાક્ષી બનવા 70 દેશોના રાજદૂત કાશી પહોંચ્યા છે. તેની સાથે જ 150 વિદેશી ડેલીગેટ્સ પણ આજે દેવ દિવાળીની છટા નિહાળશે. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
20 વોચ ટાવરથી 84 ઘાટોની દેખરેખ
દેવ દિવાળી પર ગંગા કિનારે અસ્સી ઘાટથી લઈને નમો ઘાટ સુધી ઉમટેલા પર્યટકોની સુરક્ષા માટે 20 વોચ ટાવરથી દેખરેખ કરાઈ રહી છે. પ્રત્યેક વોચ ટાવર પર બે-બે વાયરલેસ સેટ, ડ્રેગન લાઈટ અને પીએ સિસ્ટમથી લેસ રહેશે.