જ્ઞાનવાપીમાં હિંદુઓ ભોંયરામાં પૂજા કરી શકશે, સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ કોર્ટનો આદેશ
1993થી બંધ હતું વ્યાસજીનું ભોંયરું, વ્યાસ પરિવારને મળ્યો પૂજાનો અધિકાર
Gyanvapi Case : જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ અપાયો છે. આ ભોંયરું મસ્જિદની નીચે આવેલું છે અને તે 1993થી બંધ છે.
30 વર્ષ બાદ ન્યાય મળ્યો
વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના થશે. હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર-1993 સુધી પૂજા-અર્ચના કરાઈ હતી.
ગઈકાલે આદેશ સુરક્ષિત રખાયો, આજે નિર્ણય સંભળાવાયો
શૈલેન્દ્ર કુમાર પાઠકે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશને સુરક્ષિત રાખી લીધો હતો અને આજે નિર્ણય સંભળાવ્યો હતો.
હિન્દુ અને મુસ્લિમ પક્ષે શું દાવો કર્યો હતો ?
આ અરજીમાં હિંદુ પક્ષનો દાવો છે કે, નવેમ્બર 1993માં તે વખતની રાજ્ય સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના અટકાવી દીધી હતી, જેને પુનઃ શરૂ કરવાનો અધિકાર આપવામાં આવે. બીજી તરફ મુસ્લિમ પક્ષે પ્લેસ ઑફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કરી અરજીને રદ કરવાની માંગ કરી હતી. જોકે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વિકાર કર્યો છે અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા-અર્ચના કરવાનો અધિકાર આપ્યો છે.