આઝાદ ભારતને પ્રથમ વડાપ્રધાન કઈ બેઠક પરથી મળ્યાં હતાં..? આ બેઠકની કહાણી છે રસપ્રદ
image : Facebook / Congress
- જ્યારે દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કુલ 489 બેઠકો હતી
- 86 બેઠકો મોટી હોવાથી તેના પર બે-બે સાંસદો ચૂંટાયા હતા, 1960માં પછી નિયમ બદલાયો
Lok sabha Election 2024 | જ્યારે પણ લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે દરેકની નજર અમુક ખાસ સીટો પર હોય છે. આવી જ એક ખાસ બેઠક ફુલપુરની છે. આ સીટ દેશના પ્રથમ વડાપ્રધાન દિવંગત જવાહરલાલ નેહરુની બેઠક હતી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે બેઠકે તેમને પહેલીવાર સંસદમાં મોકલ્યા તે ફુલપુર નહોતી. તે બેઠક "અલ્લાહાબાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટ કમ જૌનપુર ડિસ્ટ્રિક્ટ વેસ્ટ' હતી.
પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1951-52માં યોજાઈ હતી. તે સમયે ફુલપુર નામની કોઈ લોકસભા બેઠક નહોતી. 1957ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ફુલપુર નામની બેઠક માટે મતદાન થયું હતું.
86 બેઠકો પર બે-બે સાંસદો ચૂંટાયા હતા
જ્યારે દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કુલ 489 બેઠકો હતી. તેમાંથી 86 બેઠકો સામાન્ય કરતાં થોડી મોટી હતી. તેથી ચૂંટણી પંચે નક્કી કર્યું કે આ બેઠકો પરથી બે-બે ઉમેદવારો ચૂંટાશે. આવી જ એક બેઠક 'અલ્લાહાબાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટ કમ જૌનપુર ડિસ્ટ્રિક્ટ વેસ્ટ' હતી. કોંગ્રેસે અહીંથી બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જેમાં પ્રથમ હતા જવાહર લાલ નેહરુ અને બીજા મસૂરિયા દીન. આ ચૂંટણીમાં નેહરુ પ્રથમ આવ્યા હતા. તેમને 2,33,571 મત મળ્યા અને મસૂરિયા બીજા ક્રમે આવ્યા. તેમને 1,81,700 મત મળ્યા હતા. ચૂંટણી પંચના નિયમો અનુસાર પ્રથમ અને બીજા નંબરે આવનાર ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાતા હતા.
આયોગે 1960માં નિયમોમાં ફેરફાર કરાયો હતો
1957ની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવ્યું હતું. નેહરુ અને મસૂરિયા દીન અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ 1960માં ચૂંટણી પંચે એક બેઠક પરથી બે સાંસદોની પસંદગી રદ કરી હતી. આ પછી મસૂરિયા દીને આ સીટ છોડવી પડી. બીએચયુના લોહિયાએ 1962 માં દેશની ત્રીજી લોકસભા ચૂંટણીમાં નેહરુનો સામનો કર્યો હતો. આ વખતે ફુલપુર સીટ પરથી નેહરુજીની સામે કાશી હિંદુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને સમાજવાદી પાર્ટીના રામ મનોહર લોહિયા હતા. આ બેઠક પરથી નેહરુની જીત નિશ્ચિત હતી, એટલે જ તેમણે અહીં પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાદમાં તેમને લોહિયાની મહેનત સામે ઝૂકવું પડ્યું અને છેલ્લી ઘડીએ પ્રચાર કરવા ઉતર્યા. આ ચૂંટણીમાં નહેરુને 1,12,931 વોટ મળ્યા અને લોહિયાને 54,360 વોટ મળ્યા હતા.