સૌરાષ્ટ્રથી સુરત જતાં મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરી શકે છે રેલવે
Vande Bharat Train: રેલવે ટૂંક સમયમાં તેના મુસાફરોને નવી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી પહેલા ગુજરાતમાં બીજી વંદે ભારત ટ્રેન શરુ થઈ શકે છે. આ સાથે રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેન થશે. જેમાં સુરતથી ચાલનારી આ પહેલી ટ્રેન હશે. રાજકોટ અને ઉધના રૂટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે.
પશ્ચિમ રેલવે મુખ્યમથકના નિર્ણય બાદ નવી વંદે ભારત ટ્રેન શરુ કરાશે
મળતી માહિતી પ્રમાણે, કોચિંગ ડેપોના વરિષ્ઠ CDO રાજકોટ-ઉધના વંદે ભારત ટ્રેનની શરૂઆતની તૈયારી કરી રહ્યાં છે. આ અંગેનો પ્રાથમિક તપાસનો રિપોર્ટ તૈયાર કરીને પશ્ચિમ રેલવે મુખ્યમથકને મોકલવામાં આવશે. અને જો બધુ વ્યવસ્થિત જણાશે, તો રાજ્યમાં અમુક મહિનામાં જ નવી વંદે ભારત ટ્રેન શરુ થઈ શકે છે. રેલવે બોર્ડ દ્વારા સૌપ્રથમ સુરત અને રાજકોટ વચ્ચે ટ્રેન દોડાવાની યોજના બનાવી હતી, પરંતુ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના નિર્માણની કામગીરી ચાલતી હોવાથી સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે, તેથી રેલવે દ્વારા હવે આ ટ્રેન રાજકોટથી ઉધના વચ્ચે શરુ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
50 રૂપિયાની ફી ચૂકવીને પ્રાથમિક સારવાર મેળવી શકાશે
પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા કોટા ડિવિઝનના મુસાફરોને સુવિધા પૂરી પાડવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. ડિવિઝન રેલવે મેનેજર મનીષ તિવારીએ કટોકટીની સ્થિતિમાં મુસાફરોને પ્રાથમિક સારવાર મળે તે માટે સકારાત્મક પહેલ કરી છે. જેમાં મુસાફરી દરમિયાન ટિકિંગ ચેકિંગ સ્ટાફ (TTE) પાસેથી 50 રૂપિયાની ફી ચૂકવીને પ્રાથમિક સારવાર મેળવી શકાશે. જોકે, અત્યાર સુધી આ પ્રકારની સુવિધા માત્ર પેસેન્જર ટ્રેનના રેલવે ગાર્ડ અને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને મળતી હતી. મંડળ દ્વારા બધા ટિકિંગ ચેકિંગ સ્ટાફને (TTE) પ્રાથમિક સારવાર માટે આપેલી કિટમાં 13 પ્રકારની દવાઓ ઉપલબ્ધ રહેશે.