લો બોલો! વંદે ભારત ટ્રેન રસ્તો ભટકી ગઈ, જવાનું હતું ગોવા પહોંચી ગઈ કલ્યાણ
Vande Bharat Train Lost its way: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(CSMT)થી માર્ગોવ સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દિવા સ્ટેશનથી આ ટ્રેન પનવેલ તરફ જવાને બદલે કલ્યાણ તરફ વળી હતી.
આ પણ વાંચો : સંસદમાં ધક્કામુક્કી મામલે મોટા સમાચાર, CISFએ કહ્યું- અમારા તરફથી કોઈ ચૂક નહીં
90 મિનિટ મોડી પહોંચી
આ સમાચાર મળતાં રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ઉતાવળમાં આ ટ્રેનને કલ્યાણ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી. જે બાદ આ ટ્રેન દિવા સ્ટેશને પરત લાવવામાં આવી હતી અને ફરી દોડાવવામાં આવી હતી. આ ખામીને કારણે ટ્રેન તેના ગંતવ્ય સ્થાન પર 90 મિનિટ મોડી પહોંચી હતી.
ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામી થઈ હતી
આ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેન દિવા-પનવેલ રૂટ પર જવાની હતી. જે કોંકણ જતી ટ્રેનો માટે નિર્ધારિત રૂટ છે. પરંતુ આ ટ્રેન સવારે 6.10 કલાકે દિવા સ્ટેશનથી આગળ કલ્યાણ તરફ વળી હતી. સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાના જણાવ્યા પ્રમાણે સિગ્નલની ખામીને કારણે આ પ્રોબલેમ સર્જાયો હતો. હકીકતમાં દિવા જંક્શન ખાતે ડાઉન ફાસ્ટ લાઇન અને પાંચમી લાઇન વચ્ચે પોઇન્ટ નંબર 103 પર સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામી થઈ હતી.
દિવા સ્ટેશન પર ટ્રેન 35 મિનિટ રોકાઈ
આ ઘટનાને કારણે મધ્ય રેલવેની મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દિવા પહોંચ્યા પછી આ ટ્રેન નિયત રૂટ દિવા-પનવેલ રૂટ પર મડગાંવ માટે રવાના કરવામાં આવી હતી. મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે ટ્રેનને દિવા જંક્શન પર સવારે 6.10થી 7.45 સુધી લગભગ 35 મિનિટ માટે રોકવામાં આવી હતી.