રૂ.290 કરોડની વંદે ભારત ટ્રેન હવે રૂ.436 કરોડમાં બનશે? TMC સાંસદના દાવા બાદ રેલવેએ કરી સ્પષ્ટતા
TMC MP Claims About Cost Of Vande Bharat Train : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ સોમવારે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મોદી સરકારે વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવા માટે 58,000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કર્યા છે. જેમાં ટ્રેનની કિંમત 290 કરોડની જગ્યાએ 436 કરોડ રૂપિયા થશે. આ એસી કોચવાળી ટ્રેન હોવાથી ગરીબોની પહોંચની બહાર છે. અંતે, વંદે ભારત કોન્ટ્રાક્ટમાં 50 ટકા ખર્ચના વધારાથી કોને ફાયદો થઈ રહ્યો છે?'
આ પણ વાંચો : શાળા-કોલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ
ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો
રેલવે મંત્રાલયે સાકેતના દાવાને નકારી કાઢનાની સાથે ખોટી માહિતી ફેલાવવાની પણ મનાઈ કરવામાં આવી હતી. સાકેતની પોસ્ટનો જવાબ આપતાં રેલવે દ્વારા પણ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'કૃપા કરીને ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. કોચ દીઠ ખર્ચને કોચની સંખ્યાથી ગુણાકાર કરવાથી મળતો આંકડો ટ્રેનની કિંમતની બરાબર થાય છે. સ્લીપર પ્રોજેક્ટમાં કોચ દીઠ ખર્ચ તમામ માપદંડો કરતાં ઓછો છે. જેમાં આખી પ્રક્રિયામાં પારદર્શિતાના કારણે આ શક્ય બન્યું છે.'
રેલવેએ સમજાવ્યું આખું ગણિત
રેલવેની પોસ્ટમાં જણાવાયું હતું કે, 'અમે લાંબી ટ્રેન બનાવવા માટે તેની સંખ્યા 16થી વધારીને 24 કરી છે. પરંતુ, કોન્ટ્રાક્ટમાં કોચની કુલ સંખ્યા સ્થિર રાખી છે. મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 12000 નોન એસી કોચ બનાવવામાં આવી રહ્યા છે. પહેલા 16 કોચની 200 ટ્રેન થઈને કુલ 3200 કોચ અને હવે 24 કોચની 133 ટ્રેન થઈને કુલ 3192 કોચ છે.'
આ પણ વાંચો : ગણેશ વિસર્જન 2024 મુહૂર્ત: આવતીકાલે 4 શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરવું ઘરે બાપ્પાનું વિસર્જન
જાણો વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયત
રેલવેના નિવેદન મુજબ વંદે ભારત સ્લીપર ટ્રેનની ટેક્નોલૉજી અદ્યતન હોવાની સાથે સાથે ખૂબ જ આરામદાયક રહેશે. સ્લીપર વંદે ભારત ટ્રેન મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની સાથે તેની અન્ય ઘણી વિશેષતાઓ છે. જેમાં ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલ ટ્રેન સેટ, પેસેન્જર સેફ્ટી માટે ટ્રેન સેટમાં એડવાન્સ ટેક્નોલૉજી, GFRP પેનલ સાથેનું વૈભવી ઇન્ટિરિયર, મોડ્યુલર પેન્ટ્રી, ફાયર સેફ્ટી અને સ્પેશિયલ બર્થની સાથે દિવ્યાંગો માટે શૌચાલય અને ઓટોમેટિક દરવાજાની પણ સુવિધા હશે.