VIDEO: વંદે ભારત ટ્રેનના નવા કોચમાં વિમાન જેવી અત્યાધુનિક સુવિધા, જાણો કેટલું ભાડું હશે
Vande Bharat Sleeper Train: દેશવાસીઓને ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળ્યા બાદ ભારતીય રેલવે તરફથી બીજા એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પહેલી સપ્ટેમ્બરે બેંગલુરુમાં BEMLની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચના કોપી વર્ઝનનું અનાવરણ કર્યું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, 'વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચનું સંચાલન કરતા પહેલા તેનું 10 દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ટ્રેનનું સંચાલન શરૂ થવાની સંભાવના છે.'
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'વંદે સ્લીપર કોચનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ એક સંપૂર્ણ સ્લીપર વર્ઝન છે. આ કોચમાં ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વંદે ચેર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને દરેક આધુનિક સુવિધાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે.’
વંદે ભારતનું સ્લીપર વર્ઝન પણ વર્લ્ડ ક્લાસ ફીચર્સથી સજ્જ છે. તેમાં યુએસબી ચાર્જિંગ પોઈન્ટ સાથે ઈન્ટિગ્રેટેડ રિડિંગ લાઈટ, પબ્લિક એનાઉસમેન્ટ અને વિઝ્યુઅલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, મોડ્યુલર પેન્ટ્રી અને વિકલાંગ મુસાફરો માટે વિશેષ બર્થ અને શૌચાલયની સુવિધા છે. ફર્સ્ટ એસી કોચમાં ગરમ પાણીના શાવરની પણ સુવિધા હશે, જેનાથી લાંબી મુસાફરીમાં મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત તેમાં GFRP પેનલ્સ, સેન્સર-આધારિત ઈન્ટિરિયર, ઓટોમેટિક દરવાજો, એર્ગોનોમિકલી ડિઝાઈન શૌચાલય, કોમ્યુનિકેશન રૂમ અને સામાન માટે મોટો લગેજ રૂમ પણ હશે.’
આ પણ વાંચો: કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; સોનિયા-રાહુલ ગાંધી સહિત 40 સ્ટાર પ્રચારકો જાહેર
આ ટ્રેનનું ભાડું કેટલું હશે, તે કેટલી ઝડપે દોડશે?
આ ટ્રેનના ભાડા અને ગતિ વિશે માહિતી આપતા રેલવે મંત્રીએ કહ્યું કે ‘આ ટ્રેન મધ્યમ વર્ગ માટે હશે, જેનું ભાડું રાજધાની એક્સપ્રેસ જેટલું જ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેન 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે 180 કિ.મી. પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી જઈ શકે છે. આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાંથી 11 3AC, 4 2AC અને 1 ફર્સ્ટ ક્લાસ કોચ હશે.'
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, 'નવી ટ્રેન ડિઝાઇન કરવી એ એક જટિલ કાર્ય હતું. વંદે સ્લીપરમાં ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્ત્વાકાંક્ષી ભારતને દર્શાવે છે.'
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મેરઠથી લખનઉ, મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકોઈલને જોડતી 3 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.