વંદે ભારત, રાજધાની, શતાબ્દી પૂરપાટ ઝડપે દોડશે; 15 ઑગસ્ટથી ગતિ વધારવાનો આદેશ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
વંદે ભારત, રાજધાની, શતાબ્દી પૂરપાટ ઝડપે દોડશે; 15 ઑગસ્ટથી ગતિ વધારવાનો આદેશ 1 - image


Vande Bharat:  યાત્રીગણ કૃપા કર કે ધ્યાન દે... આવનારા દિવસોમાં તમારી યાત્રા સુખદ જ નહીં પરંતુ સરળ અને ઝડપી પણ બનવા જઈ રહી છે. ભારતીય રેલવે 15 ઑગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઑગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિ.મી. પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતાં મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં  પરંતુ સમયની પણ બચત કરાવશે.

ભાડા વધશે કે શું ?

દેશની ટોચની ટ્રેનોની સ્પીડ 130થી વધારીને હવે 160 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે? આ સવાલનો જવાબ છે, ના, ટ્રેનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. હાલમાં 12953 નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઑગસ્ટ ક્રાંતિ રાજધાની અને 12951 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે લગભગ 16 કલાકનો સમય લે છે, પરંતુ 15 ઑગસ્ટ પછી આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આમ 4 કલાકનો સમય બચશે. મહત્ત્વની વાત એ છે કે, સંભવિત છે કે રેલવે ટૂંક સમયમાં આ અંગે નવું ટાઇમ ટેબલ પણ જારી કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુસાફરીના નવા શેડ્યુલમાં મુંબઈથી અમદાવાદ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે, જે અગાઉના 3:55 PMના શેડ્યુલ કરતાં દસ મિનિટ વહેલી હશે. વડોદરા: 20:11 વાગ્યે આગમન થશે 20:14 વાગ્યે પ્રસ્થાન થશે જે અગાઉ 20:16 અને 20:19 હતા તથા અમદાવાદ અગાઉના 21:25ના આગમનને સ્થાને 21:15 વાગ્યે આગમન થશે.

મળતી માહિતી મુજબ, રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને 15 ઑગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર 15 ઑગસ્ટથી 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે હેઠળના તમામ સંબંધિત વિભાગોને DRMને બ્લોક અને એસએન્ડટી/ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પૂર્ણ થઈ અને હવે લીલીઝંડી મળી છે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને 160 કિ.મી. સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટૅક્નોલૉજીથી સજ્જ સિગ્નલ અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે. 

મહત્ત્વની વાત એ છે કે આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં આવી છે. કવચ ટૅક્નોલૉજી પણ લગાવવામાં આવી છે. મિશન રફ્તાર હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો 160 કિ.મી.ની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટ્રેનો દોડાવી શકાશે.

શું છે મિશન રફ્તાર?

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે એક સંપૂર્ણ સૂચિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના કોચ અને એન્જિન અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ અંતર્ગત બાયપાસ ફૂટઓવર બ્રિજ પણ બનાવાયા છે. આ મિશન હેઠળ રેલવેના તમામ ડીઝલ એન્જિનોને મેમુ એટલે કે મેઇન લાઇન ઇલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટમાં ટ્રાન્સફૉર્મ કરવામાં આવશે.

વધુ વાંચો : રેલવે મુસાફરો માટે ખુશખબર, આ રૂટ પર શરુ થઈ વંદે ભારત ટ્રેન : જાણો સંપૂર્ણ માહિતી


Google NewsGoogle News