જૂના ઘરેણાંઓ વેચનારા સાવધાન... હોલમાર્કિંગમાં ફસાયો મામલો, જાણો નવા નિયમ
જૂની જ્વેલરીને હોલમાર્ક કરાવ્યા બાદ જ પછી જ વેચી શકાશે
હોલમાર્કિંગ માટે ગ્રાહકે નાણાં ચુકવા પડશે : પ્રતિ નંગ મુજબ ચાર્જ લાગુ પડશે
નવી દિલ્હી, તા.18 મે-2023, ગુરુવાર
જો તમારી પાસે ઘરમાં જુના દાગીના છે અને તમે તેને વેચવા અથવા તોડીને નવા દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ધ્યાનપૂર્વક વાંચજો... કારણ કે કેન્દ્ર સરકારે દાગીનાના વેચાણ માટે નવા નિયમો બનાવ્યા છે. જ્યાં સુધી તમે ઘરમાં રાખેલા જૂના ઘરેણાંનું હોલમાર્ક ન કરાવો ત્યાં સુધી તમે તે ઘરેણાં વેચી નહીં શકો... સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ, સોનાની ખરીદી અને વેચાણ માટે નવા નિયમો બહાર પાડ્યા છે.
જૂના સોનાના દાગીનાને હોલમાર્કિંગ કરાવવું ફરજિયાત
નિયમો અનુસાર હવે જૂના સોનાના દાગીનાનું હોલમાર્કિંગ પણ ફરજિયાત બનાવાયું છે. નવા નિયમો મુજબ 1 એપ્રિલ-2023થી તમામ સોનાના દાગીના અને કલાકૃતિઓમાં હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો ફરિયાજ છે. જો કે અગાઉ એવું માનવામાં આવતું હતું કે નવા દાગીના અથવા સોનાની વસ્તુઓ ખરીદવા પર જ હોલમાર્કિંગ લાગુ થશે. મનીકંટ્રોલના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે હવે જૂના દાગીનાના વેચાણ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. બીઆઈએસ અનુસાર, જે ગ્રાહકો પાસે હોલમાર્ક વગરના દાગીના છે, તે દાગીનાને વેચતા પહેલા અથવા નવી ડિઝાઈન માટે એક્સચેન્જ કરતા પહેલા તેને ફરજિયાતપણે હોલમાર્ક કરાવવું પડશે.
હોલમાર્કિંગ કરાવવા શું કરશો ?
જુના દાગીનાને હોલમાર્ક કરાવવા માટે ગ્રાહકો પાસે 2 વિકલ્પો છે. તેઓ બીઆઈએસ રજિસ્ટર્ડ જ્વેલર પાસેથી જૂના દાગીના અને હોલમાર્ક વગરના દાગીનાને હોલમાર્ક કરાવી શકે છે. બીઆઈએસ રજિસ્ટર્ડ જ્વેલર હોલમાર્કીંગ વગરના સોનાના દાગીનાને BIS એસેઈંગ અને હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે દાગીનાને લઈ જશે. ગ્રાહકો માટે બીજો વિકલ્પ બીઆઈએસ - માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રોમાંથી કોઈપણ પર દાગીનાની તપાસ કરાવી હોલમાર્કિંગ કરાવી શકે છે.
હોલમાર્કિંગનો કેટલો ચાર્જ ચુકવવો પડશે ?
જો સોનાના દાગીનાની સંખ્યા 5 અથવા તેથી વધુ હોય તો હોલમાર્કિંગ કરાવવા માટે ગ્રાહકે એક દાગીના માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 નંગ હોલમાર્ક કરાવવા માટે રૂ.200 ચૂકવવા પડશે. બીઆઈએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર દાગીનાની તપાસ કરશે અને તેનું પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ આ રિપોર્ટને ગ્રાહકો કોઈપણ જ્વેલરને આપી તેમના દાગીના વેચી શકશે.