ચોરીમાં પકડેલા 25 વર્ષીય દલિત યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત, લોકોનો ગુસ્સો ભભૂક્યો, યુપીમાં હિંસા
Image : IANS |
Uttarpradesh Firozabad News | યુપીના ફિરોઝાબાદમાં ચોરીના કેસમાં જેલમાં કેદ આરોપી આકાશ (ઉંમર - 25 વર્ષ)ના મોત બાદ લોકોની ભીડ ગુસ્સે ભરાઈ હતી અને પોલીસ સાથે તેમની સીધી અથડામણ થઇ હતી. જ્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો તો ગુસ્સે થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દેતાં હિંસા ભડકી હતી.
મામલો કેમ બગડ્યો?
અહેવાલ મુજબ દલિત યુવક આકાશના મૃત્યુ પછી તેનો મૃતદેહ હિમાયુપુર વિસ્તારમાં તેના ઘરે પહોંચતા જ સ્થાનિક લોકો પોલીસ પર ગુસ્સે થઈ ગયા. દરમિયાન પોલીસ પર પથ્થરમારો શરૂ ક કરી દેવામાં આવતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેથી લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.
ટોળાએ પોલીસના વાહનોને આગ ચાંપી
મૃતદેહ જોઈને બેકાબૂ ભીડે પોલીસના અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી અને શબવાહિની તોડફોડ શરૂ કરી હતી. લોકોની આવી ઉગ્ર પ્રતિક્રિયા જોયા બાદ આજુબાજુના પોલીસ સ્ટેશનથી વધારાની ફોર્સ બોલાવાઈ હતી. જેના પછી પોલીસ અને રોષે ભરાયેલા લોકોની ભીડ આમને-સામને થઈ ગઈ અને લોકોએ દોડાવી-દોડાવીને પોલીસકર્મીઓને માર માર્યો હતો.
ચોરીના આરોપમાં પકડાયો હતો દલિત યુવક
આ હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે ફિરોઝાબાદની જિલ્લા જેલમાં 25 વર્ષના દલિત યુવક આકાશનું મૃત્યુ થયું. પોલીસે ચોરીના આરોપસર આકાશની ધરપકડ કરી હતી. મૃતક આકાશના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે તેને જેલમાં મોકલતા પહેલા તેને ખૂબ માર માર્યો હતો અને ખરાબ હાલતમાં તેને જેલમાં મોકલી દીધો હતો જ્યાં તેનું મોત થયું હતું. તેને સારવાર પણ ન આપવામાં આવી હોવાનો દાવો થયો હતો.