યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, ચક્કાજામ જેવી સ્થિતિથી અરાજકતા, પોલીસે કરવી પડી અપીલ
Chardham Yatra : શનિવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા જ્યારે આજે બદ્રિનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરુ થઈ ગઈ છે. દેશભરમાંથી ભક્તો ચાર ધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે.
હજારો ભક્તો યમુનોત્રી ધામ પહોંચી રહ્યા છે
ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. આ કારણે ઉત્તરાખંડ પોલીસે લોકોને રવિવારે (આજે) યાત્રા ન કરવાની અપીલ કરી છે.
ઉત્તરકાશી પોલીસે કરી અપીલ
ઉત્તરાખંડની ઉત્તરકાશી પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (X) પર ભક્તોની અપીલ કરતી પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે 'આજે યમુનોત્રી ધામમાં ક્ષમતા મુજબ પૂરતા ભક્તો પહોંચી ગયા છે. હવે વધુ ભક્તો મોકલવા જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આજની યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા અપીલ છે.' ઉલ્લેખનીય છે કે યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી છ કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે.
કેટલાય કિલોમીટર સુધી યાત્રાળુઓ ફસાયા
યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક સો મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. 10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો રવિવાર ત્રીજો દિવસ છે. પરંતુ, ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને રવિવાર સુધી મોકૂફ રાખવાની અપીલ કરી છે. સવારે 6 વાગ્યા પહેલા જ પૂરતા મુસાફરો અહીં પહોંચી ગયા છે.
આ પણ વાંચો : ચારધામ યાત્રા દરમિયાન ટ્રાફિકમાં ફસાઈ ગયા તો શું કરવું?