ઉત્તરકાશી : ‘ટનલ બનાવવામાં થયો ભ્રષ્ટાચાર...’ કોંગ્રેસનો ધામી સરકાર પર ગંભીર આક્ષેપ
સિલક્યારા ટનલ ઘટના બિનઅનુભવ, પ્રોજેક્ટ બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે થઈ : યથપાલ આર્ય
બ્લેક લીસ્ટની યાદીમાં જે કંપની હતી, તેને ટનલ બનાવવાનું કામ અપાયું હોવાનો કોંગ્રેસ વિપક્ષ નેતાનો આક્ષેપ
ઉત્તરકાશી, તા.26 નવેમ્બર-2023, રવિવાર
Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીના સિલ્કયારા ટનલમાં 41 શ્રમિકો જીવન સામે લડી રહ્યા છે, તો બીજીતરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસથી 41 શ્રમિકો ટનમાં ફસાયા છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો રેસ્ક્યુ કામગીરીનું મોનિટરિંગ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈપણ સફળતા મળી નથી, ત્યારે ટનમાં ફસાયેલ શ્રમિકો અંગે ઉત્તરાખંડ (Uttarakhand)ના વિપક્ષના નેતા યશપાલ આર્યએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, સરકાર અત્યાર સુધીમાં શ્રમિકોને બહાર કાઢવામાં અસફળ થઈ છે.
‘ઉત્તરાખંડ સરકારની બેદરકારી’
કોંગ્રેસ (Congress) નેતાએ કહ્યું કે, જે રીતે કામગીરી કરવી જોઈએ, તે હજુ સુધી સંપૂર્ણ દેખાઈ રહી નથી. તેમણે કહ્યું કે, આ ટનલ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આર્યએ કહ્યું કે, ટનમાં 41 શ્રમિકો ફસાયા હોવાની બાબતને 15 દિવસ વિતી ચુક્યા છે, તેઓ પોતાના જીવનને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. આ ઉત્તરાખંડ સરકારની બેદરકારી દર્શાવે છે. યથપાલ આર્યએ આક્ષેપ કરતાં કહ્યું કે, બ્લેક લીસ્ટની યાદીમાં જે કંપની હતી, તેને ટનલ બનાવવાનું કામ અપાયું.
‘શ્રમિકોને ખાવા-પીવાની સુવિધા પુરી ન પડાઈ’
તેમણે કહ્યું કે, ટનમાં ફસાયેલા શ્રમિકોને એક સપ્તાહ સુધી ખાવા-પીવાની પણ વ્યવસ્થા પુરી ન પડાઈ. સરકાર ભલે મોટી મોટી વાતો કરે, પણ આ મામલે સરકાર સંપૂર્ણ ફેલ ગઈ છે, ટનલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પોતાના માનીતાઓને કામ આપવા માટે તમામ નિયમોને નેવે મુકાયા છે અને આ જ કારણે હજુ સુધી શ્રમિકોને બહાર કાઢી શકાયા નથી.
‘ટનલ પ્રોજેક્ટ બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર’
કોંગ્રેસ નેતા યથપાલ આર્ય તાજેતરમાં જ ઘટનાસ્થળે ગયા હતા. આ દરમિયાન તેમણે ફેસબુક પર આ મામલે એક પોસ્ટ કરતા લખ્યું હતું કે, સિલક્યારા ટનલ ઘટના બિનઅનુભવ, પ્રોજેક્ટ બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે થઈ છે. ઘટના બાદ ટનલમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે જે વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે, તે વિકલ્પો પ્રોજેક્ટ શરૂ કર્યા પહેલા જ સ્થાપિત કરવાની જરૂર હતી. આ મામલો લોકોને સંકટમાં નાખવાનો અને મોટાપાયે ભ્રષ્ટાચારનો છે, તેથી સરકારે ઘટના અંગે સીબીઆઈ તપાસ કરાવી જવાબદારો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરે.